
અમદાવાદઃ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતાં કાંકરેજના શિહોરી ખાતે મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન કિંજલ દવેએ કહ્યું કે, હવે જે પણ લોકો મારા પરિવાર સામે કોમેન્ટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ.
કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈના વિવાદ વચ્ચે અનેક લોકો તેના સમર્થનમાં આવ્યા છે. મુંબઈ સમાચાર માં કોલમ લખતાં કાજલ ઓઝા વૈદ્ય પણ તેમના સમર્થનમાં આવ્યા હતા. તેમણે મુંબઈ સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે, કિંજલનો વાંક એ છે કે તે સફળ છે. કોની સાથે જીવવું એ નિર્ણય કિંજલનો જ હોવો જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ન્યાત બહાર તો નરસિંહ મહેતાને પણ મૂકવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર વિવાદ
કિંજલ દવે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, જ્યારે તેમના મંગેતર ધ્રુવિન શાહ અન્ય જ્ઞાતિના છે. સમાજના પરંપરાગત નિયમો મુજબ આ સગપણ જ્ઞાતિ બહારનું હોવાથી ‘પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ’ની બેઠકમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે આ આંતરજ્ઞાતિય સંબંધ સમાજના નિયમોનું ઉલ્લંઘન છે. પરિણામે, સમાજે કિંજલના પરિવારને બહિષ્કૃત કરવાનો આકરો નિર્ણય લીધો હતો. જે બાદ વિવાદની શરૂઆત થઈ હતી.
કિંજલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી આજે મારે બોલવું પડ્યું છે.
તેણે કહ્યું કે, એક બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે અને હું અહીંયા સુધી પહોંચી છું તેમાં શિક્ષિત અને સમજદાર બ્રહ્મ શક્તિઓ (બ્રહ્મ સમાજના લોકો)નો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાડી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?
કિંજલ દવેએ પોતાના નિર્ણયને વધાવતા કહ્યું કે, હું નસીબદાર છું કે મને એવા પરિવાર અને પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે. હું એવા પરિવારમાં જઈ રહી છું જ્યાં રાત-દિવસ ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે. મને અને મારા નિર્ણયને મારા પાર્ટનરના પરિવારે ખૂબ જ આદર અને સત્કારથી સ્વીકાર્યા છે.
છેલ્લે, તેમણે સમાજની કેટલીક જૂની પ્રથાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, એક તરફ દીકરીઓ પ્લેન ઉડાવે છે અને આર્મીમાં છે, અને બીજી તરફ હજી પણ બાળ લગ્ન, સાટા પ્રથા જેવી સમસ્યાઓ ચાલુ છે, જેની પીડિત હું પણ છું. દીકરીઓના પૈસા લેવામાં આવે છે અને તેમને ઘૂંઘટમાં રાખવામાં આવે છે. આના પરથી જ ખબર પડે છે કે સમાજમાં ક્યાં કેટલો વિકાસ થયો છે અને ક્યાં દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની જરૂર છે.
આ પણ વાંચો…કિંજલ દવે મનફાવે ત્યાં સગાઈ કરી શકે તો અમને પણ બહિષ્કારનો હક છે’



