કોંગ્રેસમાંથી આવેલા મોઢવડિયા સહિતના ક્યા ધારાસભ્યો બની શકે પ્રધાન ? | મુંબઈ સમાચાર
અમદાવાદ

કોંગ્રેસમાંથી આવેલા મોઢવડિયા સહિતના ક્યા ધારાસભ્યો બની શકે પ્રધાન ?

અમદાવાદ: ગુજરાતમાં હવે સત્તાવાર રીતે પ્રધાનમંડળ વિસ્તરણની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળના વિસ્તરણની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. પદનામિત પ્રધાનોનો શપથવિધિ સમારોહ શુક્રવાર, તારીખ ૧૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રધાનમંડળમાં જોડાનારા પદનામિત પ્રધાનોને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ત્યારે હવે આ યાદીમાં ઘણા નેતાઓના નામની અટકળો ચાલી રહી છે.

મળતી વિગતો અનુસાર, પ્રધાનમંડળ વિસ્તરણની તારીખ અને સ્થળની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં અટકળોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન અનેક દિગ્ગજ પ્રધાનોના નામનું પત્તું કપાય તેવી પ્રબળ શક્યતા માનવામાં આવી રહી છે. જ્યારે અનેક નવા નામો પ્રધાન પદના શપથ લઈ શકે છે. એકસમયે પ્રધાન પદ ભોગવી ચૂકેલા દિગ્ગજ નેતાઓની પ્રધાન મંડળમાં રીએન્ટ્રી થવાની પણ સંભાવના છે. વળી કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા અને છેલ્લા ઘણા સમયથી પ્રધાન પદની રાહ જોઈ રહેલા નેતાઓના શમણાં પણ પૂરા થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર પટેલના 16 સભ્યોના પ્રધાન મંડળમાંથી ચાર કેબિનેટ પ્રધાનો અને પાંચ રાજ્ય પ્રધાનોની વિદાય થઈ શકે છે. જો કે ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, હર્ષ સંઘવી જેવા પ્રધાનોનું પદ સલામત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ ફરીથી વિજય રૂપાણી સરકાર સમયનો ફોર્મ્યુલા લાગી કરી શકે છે અને નાયબ મુખ્ય પ્રધાનનું પણ ફરીથી અસ્તિત્વમાં આવી શકે છે. વિજય રૂપાણીના મુખ્ય પ્રધાન પદ દરમિયાન નીતિન પટેલ નાયબ મુખ્ય પ્રધાન હતા.

ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળમાં અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકર, દર્શના વાઘેલા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, ગાંધીનગરના અલ્પેશ ઠાકોર, જેતપુરના જયેશ રાદડિયા, રાજકોટથી ઉદય કાનગડ, સુરતથી સંગીતા પાટીલ, વડોદરાથી બાલકૃષ્ણ શુક્લા, જામનગરથી રીવાબા જાડેજા, અમરેલીથી કૌશિક વેકરિયા ઉપરાંત સીજે ચાવડા, હીરા સોલંકી અને પાટીદાર નેતા હાર્દિક પટેલના નામની ચર્ચા ચાલી રહી છે. વળી ખાસ કરીને શિક્ષણ પ્રધાન રહી ચૂકેલા જીતુ વાઘાણીની પણ પ્રધાન મંડળમાં રી-એન્ટ્રીની પ્રબળ શક્યતાઓ છે.

હાલ ભાજપ માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર પડકાર બની રહ્યું છે અને આમ આદમી પાર્ટી તેમજ ભાજપના જ આંતરિક વિદ્રોહને કારણે કપરા ચઢાણ બની શકે છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના વધતા જોરને ધ્યાનમાં રાખીને પાર્ટી સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓને સમાવેશ નવા પ્રધાન મંડળમાં કરી શકે છે. જેમાં જયેશ રાદડીયા, મહેશ કસવાલાનું નામ મોખરે છે જ્યારે અન્ય નેતાઓમાં અર્જુન મોઢવાડિયા તથા રિવાબા જાડેજા તેમજ ઉદય કાનગડને પણ સૌરાષ્ટ્રમાંથી સ્થાન મળી શકે છે.

સીએમ અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના હોય આથી ભાજપમાં સૌરાષ્ટ્રનું જોર ઘટ્યું છે તે બાબતે સૌરાષ્ટ્રના નેતાઓમાં અસંતોષ જગાવ્યો છે અને આથી જ સૌરાષ્ટ્રનું જોર વધે તેવી શક્યતા છે. વળી આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જોર પણ સૌરાષ્ટ્રના રાજકારણને વધુ માન આપવા માટેનું અગત્યનું કારણ બની શકે છે.

આપણ વાંચો:  AMC કૌભાંડોના RTI એક્ટિવિસ્ટનું અપહરણ બાદ મર્ડર: કેનાલમાંથી મૃતદેહ મળતા ચકચાર, ગળું દબાવ્યાના નિશાન

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button