ગુજરાત સરકારના કયા પ્રધાને કહ્યું- આદિવાસી તો દારૂ જ પીએ ને….

અમદાવાદઃ રાજ્ય સરકારના વધુ એક પ્રધાન વિવાદમાં સપડાયા હતા. આદિજાતિ વિકાસ પ્રધાન પી સી બરંડાએ જાહેરમાં કહ્યું કે, હું ડીએસપી હતો ત્યારે ફરિયાદ આવે તો પણ હું કહેતો કે આદિવાસી તો દારૂ જ પીએ ને… એ ન પીએ તો કોણ પીએ.
શું છે વિગત
છોટા ઉદેપુરના નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા વખતે રાજ્ય કક્ષાના પ્રધાન પી સી બરંડાએ ભાંગરો વાટ્યો હતો. તેમણે જાહેરમાં કહ્યું કે, હું જ્યારે આ વિસ્તારમાં ડીએસપી હતો ત્યાર દારૂના દૂષણને દૂર કરવાના બદલે ઢીલાશ દાખવી હતી. તેમના આ નિવેદનનો વીડિયો હાલ વાયરલ થયો છે.
પ્રધાન પી સી બરંડાએ સ્ટેજ પર પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ભીલના ખભે હાથ મૂકીને કહ્યું કે, જ્યારે વર્ષ 2015માં આ વિલ્તારમાં ડીએસપી તરીકે આવ્યો ત્યારે દાદા (ધીરૂભાઈ ભીલ) મારી પાસે આવીને દારૂના અડ્ડા વિશે ફરિયાદ કરતા હતા. તે વખતે સંકલન સમિતિની બેઠકમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે, સાહેબ આ વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે. ત્યારે હું કહેતો એ તો બધું ચલાવવું પડે. મારો આદિવાસી તો દારૂ જ પીવેને… થોડું ઘણું તો ચલાવવું પડેને. આ સાંભળીને તેઓ મુક્ત મને સ્ટેજ પર હસ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પી સી બરંડા ખુદ આદિવાસી છે અને તેમના સમાજના યુવકો દારૂના બંધાણી બની રહ્યા છે ત્યારે તેઓ દૂષણમાંથી મુક્ત કરાવવાના બદલે ઢીલાશ દાખવી રહ્યા હોવા મુદ્દે વિવાદમાં આવ્યા છે. આ પહેલા કમોસમી વરસાદ બાદ સર્વે કરવા ગયેલા પ્રધાન પ્રદ્યુમન વાજા લોકોની ટીકાનો ભોગ બન્યા હતા. તેમજ મુકેશ પટેલે પણ ખેતરમાં પલળેલી મગફળી હાથમાં લઈ ફોટો પડાવતાં ટ્રોલ થયા હતા.
પૂર્વ આઈપીએસ અને બે વખત ભિલોડા બેઠક પર ચૂંટણી લડનાર પી.સી.બરંડા 2017માં હાર્યા હતા. તેમ છતાંય 2022માં પક્ષે તેમના ઉપર પસંદગી ઉતારી હતી અને પી.સી.બરંડાએ જીત મેળવી હતી. દરમિયાન પ્રધાન મંડળ બદલાતાં ભિલોડા ધારાસભ્યને દિવાળી પહેલાં લોટરી લાગી હતી અને રાજયકક્ષાના પ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી હતી. ભાજપે આદિવાસી મતદારોને રીઝવવા 2027ની ચૂંટણી પહેલાં પી.સી.બરંડાને રાજ્યકક્ષાના પ્રધાન બનાવી માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં પી સી બરંડાએ એસ.પી પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.



