
અમદાવાદ/નવી દિલ્હીઃ અમદાવાદમાં ગત વર્ષે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા હતા. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે અમદાવાદ વિમાન દુર્ઘટના મુદ્દે નવી જાણકારી સામે આવી હોવાનો દાવો કર્યો છે. તેમણે નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુને પત્ર લખીને તપાસની માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે, તેમની ઓફિસ દ્વારા આ ઘટના સાથે જોડાયેલા કેટલાક ઈનપુટ શેર કરવામાં આવ્યા છે.
તેમણે રામ મોહન નાયડૂને પત્ર લખીને પૂછ્યું કે, શું નવી જાણકારીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. કાર્તિ ચિદમ્બરમે 5 જાન્યુઆરીએ લખેલા પત્રમાં કહ્યું, હું એર ઈન્ડિયા 171 પ્લેન ક્રેશની વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટીકરણ માંગું છું. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. મને જણવવામાં આવ્યું છે કે, પ્રારંભિક તપાસ બાદ વધુ કેટલીક જાણકારી અને જરૂરી ઈનપુટ સામે આવ્યા છે. આ જાણકારી મારી ઓફિસે ઔપચારિક રીતે શેર કરી છે અને આગળના કાર્યવાહી માટે મંત્રાલયને મોકલી રહ્યો છું.

ઘટનાની ગંભીરતા અને તેમાં થયેલા નુકસાનને જોતા મંત્રાલય અને સંબંધિત અધિકારી મળેલી જાણકારીની તપાસ કરે, જરૂર મુજબ આગળ તપાસ કે સમીક્ષા કરે અને પુરાવાના આધારે જવાબ રેકોર્ડ પર આપે. આ ઉપરાંત કાર્તિ ચિદમ્બરમે કહ્યું, પારદર્શિતા, જવાબદારી અને જનતાના ભરોસો માટે તાપસના પરિણામોની સાથે સંપૂર્ણ અને અપડેટેડ સ્ટેટસ રિપોર્ટ રેકોર્ડ પર રાખવામાં આવે તેવી વિનંતી કરું છું.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી એર ઈન્ડિયાની AI 171 ફ્લાઈટ ટેક ઓફ કર્યાની ગણતરીની સેકંડોમાં જ મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 પૈકી 241 મુસાફરો પણ માર્યા હતા. મૃતકમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. દુર્ઘટનામાં કુલ 260 લોકોના મૃત્યુ થયા હતા.



