હાર્દિક પટેલે સોગંદ ખાઈને લેખિતમાં શું ખાતરી આપતાં બિન-જામીનપાત્ર વોરંટ રદ થયું ?

અમદાવાદઃ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનું બિનજામીનપાત્ર વોરંટ ગુજરાત હાઈ કોર્ટે રદ કર્યું હતું. હાર્દિક પટેલે કોર્ટ સમક્ષ સોગંદનામું આપીને ખાતરી આપી હતી કે તે 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની સુનાવણીની તારીખે ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર રહેશે.આ અગાઉ, અમદાવાદ ગ્રામ્યની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે હાર્દિક પટેલ વારંવાર ટ્રાયલ કોર્ટ સમક્ષ ગેરહાજર રહેતા તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું.
હાર્દિક પટેલે કોર્ટને શું ખાતરી આપી?
હાર્દિક પટેલે હાઈ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું કે, તે આગામી તારીખો પર ફોજદારી કાર્યવાહીમાં હાજર રહેવા માટે એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (અમદાવાદ ગ્રામ્ય) સમક્ષ હાજર રહેશે, સિવાય કે ટ્રાયલ કોર્ટ દ્વારા તેને હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે. અરજદારના આ સોગંદનામાને ધ્યાનમાં લઈને હાઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટનો આદેશ રદ કર્યો છે. ટ્રાયલ કોર્ટ સમક્ષ આ કેસની આગામી સુનાવણી આ વર્ષે 8 ઓક્ટોબરના રોજ થશે.
હાર્દિક પટેલે અગાઉ ટ્રાયલ અને સેશન્સ કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી, જે ત્યારબાદ નામંજૂર કરવામાં આવી હતી. તેમણે હાઈકોર્ટમાં પણ કેસ રદ કરવા માટે અરજી દાખલ કરી છે, જે હાલમાં પેન્ડિંગ છે. તેથી ટ્રાયલ ચાલી રહી છે.
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન, શહેરના નિકોલ વિસ્તારમાં પોલીસની પરવાનગી વિના ઉપવાસ કાર્યક્રમ યોજવા બદલ હાર્દિક પટેલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમની સામે ગેરકાયદેસર સભા, હુલ્લડ અને ગુનાહિત કાવતરા જેવા આરોપો છે.
આપણ વાંચો: ટ્રમ્પને ઘોળીને પી જઈ અમેરિકાની કંપની સાણંદમાં 3300 કરોડનો ચિપ પ્લાન્ટ નાંખશે