Coldplay કોન્સર્ટને લઈ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, અહીંથી કરી શકાશે બુકિંગ
અમદાવાદઃ શહેરમાં 25-26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના અનેક શહેરોમાંથી આ કોન્સર્ટ માણવા લોકો ઉમટશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોન્સર્ટને લઇ ફેંસ પણ આતુર છે. અમદાવાદમાં હોટલના ભાવમાં તોતિંગ વધારો થઈ ગયો છે, એર લાઇન્સનું ભાડું પણ વધી ગયું છે. આ દરમિયાન પશ્વિમ રેલવે દ્વારા આ કોન્સર્ટને લઈ વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું કે, રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર બંને વિંટર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને ભીડ ઓછી કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ટ્રેન માટેની ટિકિટ બુક માય શોના માધ્યમથી બુક કરાવી શકાશે. આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, સુરત, ભરૂત, વડોદરા, ગેરતપુર ખાતે થોભશે.
Also read: કોલ્ડપ્લેના કોન્સર્ટની ટીકિટનું બ્લેક માર્કેટિંગ:ઉદ્ધવ ઠાકરે જૂથની તપાસની માગણી…
અધિકારીઓના કહેવા પ્રમાણે કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ મુંબઈ અને ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ વચ્ચેનું હવાઇ ભાડું વધી ગયું છે. કોલ્ડપ્લેની લોકપ્રિયતા અને ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન રેલવેના ગત અનુભવને જોતાં આ બંને વિટર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાતં નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં યોજાનારા કોન્સર્ટને લઈ વધારાની લોકલ ટ્રેન દોડાવવામાં આવશે.