અમદાવાદના પશ્ચિમ વિસ્તારોને જળબંબાકારથી મળશે મુક્તિ: ₹૧૪૧ કરોડના ખર્ચે માઇક્રો-ટનલિંગ સ્ટ્રોમવોટર લાઇન નાંખવામાં આવશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોને જળબંબાકારથી મળશે મુક્તિ: ₹૧૪૧ કરોડના ખર્ચે માઇક્રો-ટનલિંગ સ્ટ્રોમવોટર લાઇન નાંખવામાં આવશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર એન્ડ સીવરેજ કમિટીએ શહેરના પશ્ચિમ વિસ્તારના નવરંગપુરા, વેજલપુર, વાસણા અને અન્ય વિસ્તારોમાં માઇક્રો-ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને 1800mm વ્યાસની સ્ટ્રોમવોટર લાઇન નાખવા માટે ₹141 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પગલાથી આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થશે.

આ લાઇન માણેકબાગ ક્રોસરોડ્સથી વાસણા બેરેજ ડાઉનસ્ટ્રીમ સુધી, જીવરાજ હોસ્પિટલ, ધરણીધર અને અંજલિ ક્રોસરોડ્સ થઈને અને ત્યારબાદ અંજલિ ક્રોસરોડ્સથી આંબેડકર બ્રિજ સુધી લંબાશે. જીવરાજ ક્રોસરોડ્સ, ભીમનાથ મહાદેવ મંદિર વિસ્તાર, શ્રદ્ધાકુંજ સોસાયટી, પ્રજાપતિ ગાર્ડન અને ગણેશ કુંજ સોસાયટી નજીક ઓપન એક્સ્કેવેશન (ખોદકામ) દ્વારા 1200mm વ્યાસની બ્રાન્ચ લાઇનો પણ નાખવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, માણેકબાગ ક્રોસરોડ્સથી જીવરાજ હોસ્પિટલ અને ધરણીધર થઈને અંજલિ ક્રોસરોડ્સ સુધીની કુલ લંબાઈ 2460 મીટર હશે. અંજલિ ક્રોસરોડ્સથી આંબેડકર બ્રિજ થઈને વાસણા બેરેજ ડાઉનસ્ટ્રીમ સુધીની લંબાઈ 2445 મીટર રહેશે. આ રીતે, માઇક્રો-ટનલિંગ દ્વારા 1800mm વ્યાસની લાઇનના કુલ નેટવર્કની લંબાઈ 4.90 કિલોમીટર થશે. આનાથી નેહરુ નગર સર્કલ, માણેકબાગ, શ્રેયસ બ્રિજ, જયદીપ ટાવર, દેવસ ફ્લેટ્સ અને આસપાસના વિસ્તારો ઉપરાંત ધરણીધર ક્રોસરોડ્સ, અંજલિ બ્રિજ, જીવરાજ મહેતા રોડ અને ચંદ્રનગર ક્રોસરોડ્સ પરની પાણી ભરાવવાની સમસ્યા દૂર થશે. હાલની લાઇનમાં ગુજરાત યુનિવર્સિટીની આસપાસના રસ્તાઓ પરથી વરસાદનું પાણી આવે છે અને તેથી ચોમાસા દરમિયાન તેની સંપૂર્ણ ક્ષમતાએ ચાલે છે. નવી લાઇન સીધી નદીમાં જતી હોવાથી પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.

આપણ વાંચો:  AMCના આઇકોનિક રોડ્સ પ્રોજેક્ટને ગ્રહણ: ₹405 કરોડના કામમાંથી એક વર્ષમાં માત્ર 15 ટકા જ થયું કામ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button