અમદાવાદ

અમદાવાદમાં એક દાયકામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ લીધો 897 લોકોનો ભોગ: RTIમાં ખુલાસો

અમદાવાદ: ચોમાસા બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ઉછાળો જોવા મળે છે અને તેના કારણે હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળતો હોય છે. જો કે અમદાવાદમા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને કારણે એક દાયકામાં 900 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાનો એક આરટીઆઇ અરજીમાં ખુલાસો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત પાંચ હોસ્પિટલોમાં છેલ્લા એક દાયકામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને કારણે 897 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ આંકડાઓમાં ડેન્ગ્યુથી થયેલા 302 મૃત્યુનો સમાવેશ થાય છે.

મળતી વિગતો અનુસાર શહેર કોંગ્રેસ સમિતિના લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ, એડવોકેટ અતિક સૈયદે જણાવ્યું હતું કે, “અમે 2015 થી 22 મે, 2025 સુધીના સમયગાળા દરમિયાન AMC સંચાલિત શારદાબેન હોસ્પિટલ, ઇન્ફેક્શિયસ ડિસીઝ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ અને એસ.વી.પી. હોસ્પિટલમાં ઝાડા, ટાઇફોઇડ, કમળો, કોલેરા, મેલેરિયા અને ડેન્ગ્યુની સારવાર લેનારા અને સારવાર દરમિયાન મૃત્યુ પામેલા નાગરિકોના આંકડાકીય માહિતી આપવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં રોગચાળા સામે ‘ડ્રોન’ હથિયાર! દવાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરાશે

સારવાર દરમિયાન કુલ 897 દર્દીઓના મૃત્યુ

આ હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી મુજબ, કુલ 71,886 ઝાડાના કેસ નોંધાયા હતા, જેમાંથી 182 દર્દીઓના મૃત્યુ થયા હતા. ટાઇફોઇડના કુલ નોંધાયેલા 14,918 કેસમાંથી 23 દર્દીના મૃત્યુ થયા હતા, કમળાના 18,292 કેસમાંથી 253 મૃત્યુ, કોલેરાના કુલ 2,202 કેસમાંથી આઠ મૃત્યુ અને મેલેરિયાના નોંધાયેલા કુલ 13,851 કેસમાંથી 129 દર્દીઓના મૃત્યુ થયા હતા. ડેન્ગ્યુના 22,010 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ 302 દર્દીઓના મોત થયા હતા. આમ, છેલ્લા દસ વર્ષમાં આ પાંચ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન કુલ 897 દર્દીઓના મૃત્યુ થયા હતા.

મૃત્યુ પામેલા નાગરિકોને વળતર આપવાની માંગ

એડવોકેટ અતિક સૈયદે વધુમાં જણાવ્યું હતું કે, “નાગરિકોને સ્વચ્છ પાણી અને ખોરાકની સુવિધા પૂરી પાડવામાં AMC નિષ્ફળ નીવડી છે. વાર્ષિક રૂ. 14,000 કરોડના બજેટ હોવા છતાં, નાગરિકો કોલેરા, કમળો, ડેન્ગ્યુ અને ઝાડા જેવા રોગોથી મૃત્યુ પામી રહ્યા છે. વેરો ચૂકવતા નાગરિકોને સ્વચ્છ પાણી અને ખોરાક નથી મળી રહ્યો. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને AMCની બેદરકારીને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી મૃત્યુ પામેલા નાગરિકોને વળતર આપવાની માગ કરી હતી.”

વરસાદ બાદ અમદાવાદમાં રોગચાળાના કેસોમાં વધારો

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વરસાદી મોસમ દરમિયાન રાગચાળાએ માંથું ઉંચક્યું છે. તાવ સહિતના વિવિધ રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન 33,900થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવ્યા છે. તેમાં સિવિલ હોસ્પિટલમાં 20,000 અને સોલા સિવિલ હોસ્પિટલમાં 13,972 દર્દીઓ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં જુલાઈના પ્રથમ 10 દિવસમાં વાયરલ ઈન્ફેક્શનના 53 કેસ નોંધાયા છે, જ્યારે જૂન મહિનામાં આવા 564 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં છાશ પીતા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, એક બાળકની હાલત ગંભીર

10 દિવસમાં કમળાના 66 કેસ નોંધાયા

સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં કમળાના 66 કેસ નોંધાયા છે, જ્યારે ગયા મહિને કુલ 175 દર્દીઓને કમળાની સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, 10 દિવસમાં ઝાડા-ઉલટીના 71 કેસ, સાદા મલેરિયાના 6 કેસ, ઝેરી મલેરિયાનો 1 કેસ અને ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે.

છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 186 શંકાસ્પદ કેસ

મહત્ત્વનું છે કે, એક સપ્તાહમાં લગભગ 20,000 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 186 શંકાસ્પદ કેસોમાંથી 18 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જ્યારે ગયા મહિને 400 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. મલેરિયાના 458 શંકાસ્પદ કેસોમાંથી 11 કેસ પોઝિટિવ આવ્યા છે. ચિકનગુનિયાના 4 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ઉપરાંત, ઝાડા-ઉલટીના 28 કેસ અને ટાઈફોઈડના 10 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના 18 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, પરંતુ એમાંથી કોઈપણ કેસ કન્ફર્મ થયો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button