અમદાવાદ

અમદાવાદમાં ધરપકડથી બચવા પાંચમા માળે ચઢ્યો વોન્ટેડ આરોપી, પોલીસને જોઈ આપી કૂદવાની ધમકી

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં વોન્ટેડ આરોપી ધરપકડથી બચવા પાંચમા માળે ચઢ્યો હતો. પોલીસને જોઈ તેણે ત્યાંથી કૂદવાની ધમકી આપી હતી. કોઈ વ્યક્તિએ આ ઘટનાક્રમ કેમેરામાં કેદ કરી લીધો હતો.

પોલીસ પકડી ન જાય એ માટે એપાર્ટમેન્ટના પાંચમા માળની છાજલી પર ચઢી ગયો હતો. ત્યાંથી બૂમો પાડતો હતો કે જો તેને કોઈ પકડવાની કોશિશ કરશે તો હું પાંચમા માળેથી કૂદી જશે. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. એ બાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને ત્રણ કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો હતો. એ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત પ્રમાણે, યુવક કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ ગઈ હતી એ સમયે તેણે આ આખું નાટક કર્યું હતું. તેને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આ અંગે પોલીસે જણાવ્યું કે અભિષેક ઉર્ફે શૂટર તિવારી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં અપહરણના ગુનામાં વોન્ટેડ હતો. તેને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે તે આ પ્રકારે એપાર્ટમેન્ટ પર ચઢી ગયો હતો. ત્રણ કલાક બાદ તેને ફાયરબ્રિગેડની મદદથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, સૂચના મળતા ક્રાઈમ બ્રાંચની ટીમ તેની ધરપકડ કરવા ગઈ હતી. આરોપીએ અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. જ્યારે ટીમ દરવાજો તોડીને ફ્લેટમાં દાખલ થઈ ત્યારે આરોપી રસોડા પાસે ઉભો હતો. ટીમને જોતાં જ તે છત પર જતો રહ્યો હતો અને મોબાઈલ ફોનથી સોશિયલ મીડિયા પર વીડિયો લાઈવસ્ટ્રીમ કરવા લાગ્યો અને નીચે કૂદવાની ધમકી આપવા લાગ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button