ગુજરાતમાં ‘વોકલ ફોર લોકલ’ની ધૂમ: ૧૬ શહેરોના મેળામાં રૂ. ૧૦ કરોડથી વધુનું રેકોર્ડબ્રેક વેચાણ!

અમદાવાદ: કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હર ઘર સ્વદેશી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું છે. ગુજરાતમાં પણ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે ગ્રામ્ય કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે.
‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઉર્જા મળી રહી છે. રાજ્યમાં તાલુકા અને જિલ્લા સ્તરે ‘સ્વદેશી મેળા’, ‘વૉક ફોર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને આ અભિયાનને જનભાગીદારીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આપણ વાચો: ‘ગગનયાન’ મિશન આત્મનિર્ભર ભારતની યાત્રામાં એક નવા અધ્યાયનું પ્રતીકઃ રાજનાથ સિંહ
આ અભિયાનને આગળ લઇ જતા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત રાજ્યના 16 શહેરોમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 સપ્ટેમ્બર 2025થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન 16 શહેરોમાં ‘પ્લાસ્ટિક ફ્રી’ સ્વદેશી મેળાઓ યોજવામાં આવ્યા હતા જેમાં 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને રૂ. 10 કરોડથી વધુનું વેચાણ કરવામાં આવ્યું છે.
રાજ્યના ભાવનગર, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડીયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપીમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓના આયોજનમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો, સ્વસહાય જૂથો, સ્થાનિક કારીગરો અને ધંધાર્થીઓ સામેલ થયા હતા.
આપણ વાચો: CM ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢથી યુનિટી માર્ચના ભાગરૂપે રાજ્યવ્યાપી પદયાત્રાનો આરંભ કરાવશે
540 સ્વસહાય જૂથોને સ્ટોલ ફાળવાયાં
આ મેળાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે 540 સ્વસહાય જૂથોને 2707 સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. મેળાની મુલાકાતે આવતા લોકોના મનોરંજન માટે ગેમ શૉ, સંગીતના કાર્યક્રમો, લોક ડાયરો, પપેટ શૉ અને નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મુલાકાતીઓને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં સ્વદેશીને પ્રોત્સાહન આપતો શોપિંગ ફેસ્ટિવલ અને આગામી સમયમાં નગરપાલિકા વિસ્તારોમાં સ્વદેશી મેળાઓ આયોજિત કરવામાં આવશે.



