અમદાવાદ

અમદાવાદની આ જાણીતી કોલેજને કરવામાં આવી સીલ, જાણો વિગત

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરવાનગરી વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. આ બિલ્ડિંગ ફાયર સેફ્ટી વગર અને બિલ્ડિંગના બે માળ મંજૂરી વગર ચલાવવામાં આવતા હતા. તેમજ બિલ્ડિંગ પણ જર્જરીત હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને સીલ કરવામાં આવી હતી. બિલ્ડિંગ સીલ કરવામાં આવતા જે વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા તેમને પરત જવું પડ્યું હતું.

અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્કૂલો, હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બે દિવસ પહલેા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરવામાં આવ્યા હતા.

અઠવાડિયા પહેલા અમદાવાદના દક્ષિણ ઝોનમાં બિલ્ડિંગ યુઝ પરમીશન વગર ચલાવાતી 13 હોસ્પિટલ એસ્ટેટ વિભાગે સીલ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 8 ટીમોએ 81 જેટલી હોસ્પિટલના બાંધકામની તપાસ કરીહતી અને 27 હોસ્પિટલોને માન્ય બીયુ રજૂ કરવા માટે નોટિસ આપી હતી.

પીજીને પણ કર્યા હતા સીલ

ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલ શહેરની અનેક સોસાયટી, ફ્લેટોમાં પીજી ચાલી રહ્યા છે. જેમાં મારામારી કે સોસાયટીના રહીશો સાથે માથાકૂટ થતી હોવાની ઘટના સામે આવી હતી. પીજીને લઈ વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુલાઈ 2025માં નવી પોલિસી જાહેર કરી હતી. જે મુજબ પીજીને પણ હવે હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા હતા. જેના કારણે પીજી ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતાં જીડીસીઆરના નિયમોનું પાલન કરવા જણાવાયું હતું.

જો પાલન ન થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન આવા પીજી બંધ કરાવી દેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થલતેજના સોહમ રો હાઉસમાં મંજૂરી વગર ચાલતા 11 પીજીને સીલ મારી દીધું હતું. તંત્ર દ્વારા નોટિસ આપીને જરૂરી મંજૂરી મેળવવા કહેવામાં આવ્યું હતું. જોકે પીજી સંચાલકો દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી હતી. જેના કારણે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો…કોઈની પણ શરમ નહીં ભરવામાં આવે, AMC એ અમદાવાદમાં 13 હોસ્પિટલને કરી સીલ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button