ગુજરાતમાં કયા સમાજના ભવન માટે 2 કલાકમાં 51 કરોડના દાનની થઈ જાહેરાત ?

અમદાવાદઃ શહેરમાં વિશ્વ આંજણા ચૌધરી સમાજ દ્વારા જાસપુરમાં 300 કરોડના ખર્ચે બની રહેલા ભવનનું ભૂમિપૂજન કરાયું હતુ. બે વર્ષમાં બનીને તૈયાર થનારા આ ભવન માટે માત્ર 2 કલાકમાં 51 કરોડના દાનની જાહેરાત થઈ હતી. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણી અને સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાએ કહ્યું કે, કડવા-લેઉવા અને આંજણા સહિત તમામ ચૌધરી એક જ છે.
વિશ્વ આંજણા ધામના નિર્માણ પહેલા 12 જિલ્લા અને 56 તાલુકામાં આંજણા ધામની ટીમ તૈયાર કરાશે અને તેમાં સમાજના 300 લોકો સ્વયંસેવક તરીકે કાર્ય કરશે. ગગજી સુતરિયાએ કહ્યું, તમામ ચૌધરી એક જ છે. સામાજિક પરિવર્તન દ્વારા ક્રાંતિ માટે યુવાશક્તિમાં રોકણ કરકવું પડશે. 18 વર્ષ જો કોઈ પણ સમાજ યુવાનો પાછળ ખર્ચે તો તે સમાજને અને ગુજરાતને ક્યારેય કોઈ વિકાસની ગતિ કરતા અટકાવી નહીં શકે.
આ ઉપરાંત રાજશક્તિ, માતૃ શક્તિ, યુવા શક્તિ અને સમાજ શક્તિ દ્વારા દરેક સમાજે પોતાના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારે કાર્ય કરવું જોઈએ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, કોઈ પણ નાના મોટા પ્રસંગે ખોટા ખર્ચા ન કરતા આ પૈસા ભવિષ્યની પેઢી માટે ખર્ચાય તેવો બદલાવ લાવવાની અને વ્યવસ્થા કરવાનો સમય હવે આવી ગયો હોવાનું સૂચન કર્યું હતું.
તેમજ આજણા એટલે કોઈપણ પ્રકારનું વ્યસન ન હોય તે તેની મુખ્ય ઓળખ અને વ્યાખ્યા છે તેમ કહી યુવાનોને કોઈ પણ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો હતો.



