
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વિદ્યાર્થીઓમાં હિંસાનું પ્રમાણ વધ્યું છે. સમયાંતરે કોઈના કોઈ શહેરમાંથી આવી ઘટના સામે આવતી રહે છે. તાજેતરમાં મણિનગરમાં એક વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હતું.
આ પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી. જે બાદ શાળા સંચાલકોએ સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ બોટલમાં કથિત રીતે કંઈક ભેળવતો કેદ થયો હતો. પરંતુ જો કોઈ જીવલેણ કેમિકલ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જોકે આ ઘટના બાદ ગુજરાતના વિદ્યાર્થીઓમાં કેમ આ પ્રકારની ઘટના વધી રહી છે તે જાણવાનો પ્રયાસ મુંબઈ સમાચાર દ્વારા કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓમાં વધતી જતી હિંસક માનસિકતા પાછળના કારણો શું?
ગુજરાતના વિદ્યાર્થીઓમાં વધતી જતી ગુનાખોરી અને હિંસક માનસિકતા પાછળના કારણો અંગે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે. જેમાં આવતી હિંસક ઘટનાની અસર તેમના માનસ પર થાય છે. પબજી, ફ્રી ફાયર જેવી મારામારીવાળી ઓનલાઇન ગેમિંગનો પ્રભાવ વધ્યો છે. તેથી બાળકોની માનસિકતા હિંસક બનતી જાય છે. આ કારણે આવી ઘટના વધી છે. ઘણા વિદ્યાર્થીઓ ટીવીમાં ચમકવા માટે પણ આમ કરતા હોય છે.
આ ઉપરાંત નિષ્ણાતોએ જણાવ્યું ઘણી ગેમ્સમાં દુશ્મનને હુમલો કરીને પતાવી દેવાનાં ટાસ્ક હોય છે અને આ ટાસ્ક પૂરાં ના કરો તો ગેમ ઓવર થઈ જાય છે. તેથી બાળકોમાં કોઈ પણ ભોગે દુશ્મનને ખતમ કરી દેવાની માનસિકતા પ્રબળ બની રહી છે. આ ગેમ્સમાં હથિયારોનો છૂટથી ઉપયોગ થાય છે. બાળકોને ચપ્પુ જેવા જીવલેણ હથિયારો વાપરવામાં કશું ખોટું નથી લાગતું. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ સતત હિંસા દર્શાવતા કન્ટેન્ટનો મારો ચાલતો રહે છે તેથી બાળકોના માનસ પર હિંસાનો પ્રભાવ વધ્યો છે.
મનોચિકિત્સકોનું શું કહેવું છે
મનોચિકિત્સકોના કહેવા પ્રમાણે, અત્યારે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર હાલ હિંસક વેબ સીરિઝો મોટા પ્રમાણમાં આવે છે. આ વેબ સીરિઝ બાળકો પણ જુએ છે અને તેના કારણે તેમને હિંસામાં કશું ખોટું નથી લાગતું. બાળકનો માનસિક વિકાસ પોતે જે કંઈ જુએ તેના આધારે થતો હોય છે ને એ હિંસા સતત જોયા કરે છે. તેથી તેની માનસિકતા હિંસક બનતી જાય છે.
બીજું એ કે, બાળકોમાં સહનશીલતાનું પ્રમાણ ઘટ્યું છે. તેમને સહનશીલતા વધે એવું વાતાવરણ જ નથી મળી રહ્યું. પહેલાં માતા-પિતા સંતાનોને ઠપકો આપે એ સામાન્ય ગણાતું હતું પણ હવે માતા-પિતા બાળકને ઠપકો આપતાં ખચકાય છે. કેમ કે તેમને ડર લાગે છે કે, ઠપકો આપવાથી બાળક કંઈક ખોટું પગલું ભરી લેશે. આ ડરના કારણે માતા-પિતા બાળકોને ઠપકો આપવા જેવી બાબતોમાં પણ બોલતાં નથી. તેથી બાળકોમાં સહનશીલતા નથી આવતી. તેના કારણે નાની વાતમાં પણ ઉશ્કેરાઈ જાય છે અને જીવલેણ હુમલો કે મારા મારી કરે છે.
રાજ્યમાં વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી પર કરેલા હુમલાની ઘટનાઓ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ઓગસ્ટ 2025માં એક વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી પતાવી દીધો હતો. આ ઘટના બાદ સતત આવા બનાવો સામે આવ્યા હતા. બાલાસિનોરમાં પણ આવી જ ઘટના બની હતી. શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જાન્યુઆરી 2026માં અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો થયો હતો. જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં વિદ્યાર્થીએ કડું મારતા અન્ય વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગુજરાત હાઈ કોર્ટે પણ વ્યક્ત કરી ચિંતા
ગુજરાત હાઈ કોર્ટે પણ વિદ્યાર્થીઓમાં વધતી હિંસક ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સેવન્થ ડે સ્કૂલની સુનાવણી દરમિયાન કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, બાળકો મોબાઇલથી હિંસા શીખે છે. કોર્ટે અવલોકન કરતા એક મહત્ત્વની ટિપ્પણી કરી કે, બાળકોમાં વધી રહેલી હિંસા માટે મોબાઈલ ફોન એક મોટું કારણ છે અને બાળકો મોબાઈલના માધ્યમથી જ હિંસા શીખી રહ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે બાળકોના મોબાઈલ વળગણ અને તેનાથી તેમની માનસિકતા પર થતી નકારાત્મક અસરો તરફ ધ્યાન દોર્યું હતું.



