
અમદાવાદઃ થોડા દિવસ પૂર્વે ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજનાં એકપણ કલાકારને નહિ બોલાવવામાં આવતા અભિનેતા વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું હતું અને તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજને અન્યાય થયો છે. હવે આ મામલે વિક્રમ ઠાકોર મેદાને ઉતર્યા છે.
2007માં હું નરેન્દ્ર મોદીને મળેલો
ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો. આ મામલે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું હતુ કે, “મે ભાજપ કે કોંગ્રેસનો નહિ પણ રામદેવપીરનો ખેસ પહેર્યો છે. મારે પોલિટીક્સ કરવું હોત તો 2007માં હું નરેન્દ્ર મોદીને મળેલો, તેમણે મને કહેલું કે ત્યારે શું કરવું છે, ત્યારે જ મે કીધેલું કે ફિલ્મ લાઇનમાં સારું ચાલી રહ્યું છે અને જ્યારે પણ મને લાગશે કે મારે જોડાવું છે ત્યારે જોડાઈશ. હું ફક્ત ઠાકોર સમાજનાં ન્યાય માટે આવ્યો છું.
ઠાકોર સમાજની સતત અવગણના
આગળ તેમણે કહ્યું હતું કે, “ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઇ શકે, કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણાં સમયથી જોઇ રહ્યો છું કે ઘણાં બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.’
Read This…આ સુપર સ્ટારે જે બંગલામાં કર્યું પહેલા ફિલ્મનું શુટિંગ, આજે એ જ બંગલામાં…
તમે બધા સુપરસ્ટાર કહો છો
તેમણે આગળ કહ્યું હતું કે, “મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને સરકારી કામ નહી મળે તો ભૂખે મરશે નહીં. મેં ક્યારેય એવું કહ્યું નથી કે મને બોલાવો, હું ફિલ્મી કલાકાર છું, સાથે-સાથે ગાયક કલાકાર છું. ભજન ગાઉં છું, સંતવાણી અને માતાજીના ગરબા પણ કરું છું. એ લોકો નથી બોલાવતા એ તેમની મરજીની વસ્તુ છે. કદાચ હું તેમને ગમતો નહીં હોઉં, તમે બધા સુપરસ્ટાર કહો છો પરંતુ તેમને હું સુપરસ્ટાર લાગતો નહીં હોઉં.’
ગેનીબેન ઠાકોરે પણ ઝંપલાવ્યું
ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ ઠાકોર સમાજના એકપણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નહી. આ માત્ર અવગણના નથી, પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે. ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઇ છે. સમાજના કલાકારો જે નિર્ણય લેશે, તેનું હું સંપૂર્ણપણે સમર્થન કરું છું. વિક્રમ ઠાકરોની નારાજગી બાદ ભાજપ સાંસ્કૃતિક સેલે પણ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ કોઈ સરકારનો કાર્યક્રમ ન હતો, વ્યક્તિગત સંબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.