અમદાવાદ પ્લેન ક્રેશના બે મહિના પૂર્વે બોઈંગ કોકપિટમાં બેઠા હતા વિજય રૂપાણી, ફોટા વાયરલ

અમદાવાદ : અમદાવાદમાં 12 જૂનના રોજ સર્જાયેલી વિમાન દુર્ઘટનાને લોકો વર્ષો સુધી ભૂલી શકે તેમ નથી. આ દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. ત્યારે આ દરમિયાન એક અન્ય બાબત પણ પ્રકાશમાં આવી અને ચર્ચાનો વિષય બની છે. આ દુર્ઘટનામાં બોઈંગ કંપનીનું ડ્રિમલાઈનર 738 વિમાન તૂટી પડ્યું હતું. જે કંપનીનું વિમાન તૂટી પડ્યું અને તેજ કંપનીના બોઇંગ 737-200 નંબરના એક વિમાનની વિજય રૂપાણીએ 2 મહિના પહેલા મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તેઓ વિમાન કોકપીટ સહિતના ભાગોની મુલાકાત પણ લીધી હતી. જેમાં તેમણે વિમાનની કામગીરીને સમજી હતી અને કેપ્ટન સાથે વિમાન અંગેની માહિતી પણ મેળવી હતી. વિજય રૂપાણીએ 2 મહિના પહેલા લીધેલી આ મુલાકાત બાદ તે સમયે લેવાયેલી કેટલીક તસવીરો પણ શેર કરી છે.

વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમને પ્રોત્સાહિત પણ કર્યા
વિજય રૂપાણીએ 8 એપ્રિલના દિવસે અમદાવાદમાં આ વિમાનની મુલાકાત લીધી હતી. ઈન્ડસ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ એરોનોટિક્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બોઈંગ 737 સહિતના કેટલાક વિમાનોના મૉડલ્સ નિહાળ્યા હતા. તેમણે આ મુલાકાત સાથે એવિએશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમને પ્રોત્સાહિત પણ કર્યા.

આ મુલાકાત 5 મિનિટની હતી
અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટી ખાતે વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સનાં એવિએશન ડિપાર્ટમેન્ટના એચઓડી, કેપ્ટન ઉમંગ જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, બે મહિના પહેલા વિજય રૂપાણી મારી સાથે આ બોઇંગ 737-200 વિમાનના કોકપીટમાં બેઠા હતા. આ મુલાકાત 5 મિનિટની હતી પણ ઘણી રસપ્રદ હતી. હું કોકપીટમાં ડાબી બાજુની સીટ પર બેઠો હતો અને તે જમણી બાજુની સીટ પર બેઠા હતા. અમે સીટ પર બેસવાની રીતથી લઈને કોકપીટની કંટ્રોલિંગ સિસ્ટમ, સ્ટીયરિંગ સહિત દરેક બાબતની માહિતી લીધી હતી.

પાયલોટને આટલું બધું કેવી રીતે યાદ રહે છે
તેમણે વધુમાં કહ્યું કે વિજય રૂપાણીએ અનેક પ્રશ્નો પૂછ્યા હતા. વિમાન કેવી રીતે ઉડે છે.પાયલોટ વિમાન કેવી રીતે ઉડાવે છે. કોકપિટમાં ડિસ્પ્લે પર ઘણા મીટર છે. તેમનું કાર્ય કેવી રીતે અને શું છે. કોકપિટમાં ઘણા મીટર અને સ્વીચો જોઈને તેમણે પૂછ્યું હતું કે પાયલોટને આટલું બધું કેવી રીતે યાદ રહે છે. આ પછી તેમણે તે જ દિવસે તેમના સોશિયલ મીડિયા પેજ પર કેટલીક તસવીરો શેર કરી.
આ પણ વાંચો…વિજય રૂપાણીના નિધનથી શોક: મિત્રએ વાગોળ્યા અંતિમ પળોના સંસ્મરણો