'જ્યાં જવું હોય ત્યાં જાઓ, ટ્રીટમેન્ટ નહીં કરું': સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરીનો વીડિયો વાયરલ | મુંબઈ સમાચાર
અમદાવાદ

‘જ્યાં જવું હોય ત્યાં જાઓ, ટ્રીટમેન્ટ નહીં કરું’: સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરીનો વીડિયો વાયરલ

અમદાવાદ: શહેરની સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતા એક રેસિડેન્ટ મહિલા ડૉક્ટરની દાદાગીરીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ બીમાર ભત્રીજીની સારવાર માટે આવેલા એક દર્દીના સગા સાથે મહિલા ડૉક્ટરે ગેરવર્તણૂક કરી હોવાનું અને સારવાર આપવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, વીડિયો ઉતારવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ સાથે ડૉક્ટરે હાથચાલાકી પણ કરી હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

શું છે સમગ્ર બનાવ?

મળતી વિગતો અનુસાર, અજય ચાવડા નામના વ્યક્તિ તેમની ભત્રીજીને છેલ્લા બે દિવસથી તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં આવ્યા હતા. તેઓ રાત્રે લગભગ 9 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કોઈ ડૉક્ટર હાજર નહોતા.

અજય ચાવડાના જણાવ્યા અનુસાર, બાળકીનું થર્મોમીટર ટી-શર્ટની ઉપર બગલમાં લગાવેલું હતું. ડૉક્ટરે આ અંગે અજયના ભાઈને ઊંચા અવાજે ઠપકો આપ્યો હતો કે “તારી છોકરી છે તો તને ખબર ન પડે મૂકવાની?” મારા ભાઈએ જ્યારે જણાવ્યું કે થર્મોમીટર નર્સિંગ સ્ટાફમાંથી કોઈએ મૂક્યું છે અને તેઓ સ્ટાફમાંથી ન હોવાથી તે ન મૂકી શકે, તો ડૉક્ટરે વધુ ઉશ્કેરાઈને વાત કરવાનું શરૂ કર્યું હતું.

જ્યારે અજયએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, ત્યારે મહિલા ડૉક્ટરે તેમના ફોન પર હાથ માર્યો હતો. અજયના જણાવ્યા મુજબ, આ દરમિયાન તેમને હાથ પર અને તેમના ભાઈને પેટ પર પણ વાગ્યું હતું. હાથચાલાકી બાદ ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “તમે મારી સાથે ગેરવર્તણૂક કરી છે, એટલે હું ટ્રીટમેન્ટ નહીં કરું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ.” જો કે અંતે સીએમઓઇ લાગવગથી બાળકીને સારવાર આપવામાં આવી હતી. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરની આવી દાદાગીરી અને દર્દીને સારવાર આપવાની ના પાડવાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button