વેજલપુરના PI સામે યુવતીની છેડતીની ફરિયાદ, એપાર્ટમેન્ટની લિફ્ટમાં શારીરિક અડપલાં!

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર ખાખી લજવાઇ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વેજલપુર પોલીસના પીઆઈ સામે યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. હાલ ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પીઆઈ ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, 19 વર્ષીય યુવતીએ પીઆઈ બરકત અલી ચાવડા વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે કે એપાર્ટમેન્ટની લિફ્ટ બંધ થતાં આરોપીએ એકલતાનો લાભ ઉઠાવીને યુવતીના ખભા પર હાથ મૂક્યો હતો. જેવી લિફ્ટ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે પહોંચી ત્યારે અન્ય લોકો લિફ્ટમાં આવ્યા હતા અને આથી પીઆઈ ચાવડા લિફ્ટમાંથી બહાર નીકળી ગયા હતા.
યુવતી સાથે બનેલી ઘટનાથી યુવતી ગભરાઈ ગઈ હતી પરંતુ અંતે હિંમત દાખવીને અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમનો સંપર્ક કર્યો હતો. આ ન અંગે વેજલપૂર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પીઆઈ ચાવડા આ પૂર્વે પણ વિવાદના કેન્દ્રમાં આવી ચૂક્યા છે.



