અમદાવાદમાં વસ્ત્રાલમાં ફરી થઈ બબાલ, ભજન ગાતી મહિલાઓ પર હુમલાથી ચકચાર…

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ફરી બબાલ થઈ હતી. શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર હુમલો થયો છે. સ્થાનિક યુવકોએ મારામારી કરી હતી. બનાવનો વીડિયો પણ વાયરલ થયો હતો.
વસ્ત્રાલમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીના મંદિરમાં મહિલાઓ ભજન કરતી હતી. ત્યારે ભજન ગાતી મહિલાઓ પર સોસાયટીના જ કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો. અગાઉ પણ સોસાયટીમાં થતાં ભજનને લઈ તકરાર થઈ હોવાનું સામે આવ્યું હતું. યુવકોએ ક્યા કારણોસર મહિલાઓ પર હુમલો કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
અમદાવાદ પોલીસે ઘટના અંગે સોશિયલ મીડિયા પર લખ્યું, ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીધર રેસિડેન્સી ફ્લેટમાં રહેતી મહિલાઓ મંદિરમાં સ્પીકર લગાવી ભજન-કીર્તન કરતી હતી. નજીકના ફ્લેટમાં રહેતા સ્થાનિક રહેવાસીને તે ન ગમતાં, ભજન-કીર્તન બંધ કરાવવા ગયા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો. આ ઘટનામાં બહારના કોઇ અસામાજિક, આવારા કે લુખ્ખા તત્વોએ મારામારી કરી નથી. બે વ્યક્તિને રાઉન્ડ અપ કરાયા છે, જેઓ સોસાયટીમાં ચાર વર્ષ એટલે કે બની ત્યારથી જ રહે છે.
ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા વસ્ત્રાલમાં લુખ્ખાનો આતંક સામે આવ્યો હતો. માર્ચ 2025માં વસ્ત્રાલ વિસ્તારમાં બાઇક પર આવેલા કેટલાક અસામાજિક તત્વોએ શાશ્વત સોસાયટી પાસે આતંક મચાવ્યો હતો. તેમણે લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે રસ્તા પર વાહનચાલકો અને રાહદારીઓ પર હુમલા કર્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને જાહેરમાં તેમનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. કેટલાક આરોપીઓના ગેરકાયદે બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા હતા.