
અમદાવાદઃ ઉત્તરાયણના પર્વ આડે બે દિવસ જ બાકી છે. થોડા વર્ષો પહેલા કોટ વિસ્તારમાં આખો દિવસ તમામ લોકો ટેરેસ પર પતંગ ચગાવતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આમાં બદલાવ આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ઉત્તરાયણના દિવસે લોકો દ્વારા પતંગ ચગાવવાનો સમય 5-6 કલાકથી ઘટીને 2-3 કલાક થઈ ગયો છે.
ઉત્તરાયણમાં વિવિધ કારણોસર હવે લોકોને પહેલા જેવો રસ નથી રહ્યો. જોકે હજુ ઘણા લોકો પરિવાર સાથે જ ઉત્તરાયણ મનાવવાનું પસંદ કરે છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, કામ, ભણતર, ધાબા પર ખુલ્લી જગ્યાની અછત, સોસાયટીના સભ્યો સાથે ઓછો પરિચય જેવા અનેક કારણોસર પતંગ ચગાવવાથી રસ ઘટી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
એક રિપોર્ટ પ્રમાણે 27 ટકા લોકો ઉત્તરાયણના દિવસે 4 કલાકથી વધુ પતંગ ચગાવે છે. જ્યારે 19 ટકા લોકો 2-4 કલાક, 20 ટકા લોકો 1-2 કલાક, 26 ટકા લોકો 30-60 મિનિટ અને 28 ટકા લોકો 30 મિનિટથી ઓછો સમય પતંગ ચગાવે છે. 10 વર્ષ પહેલા પતંગ ચગાવવાનો સરેરાશ સમય 5-6 કલાક હતો તે ઘટીને 2-3 કલાક થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે પતંગના કાચા માલ પર ટેક્સ અને કારીગરોની અછતના કારણે કિંમતમાં ગત વર્ષની સરખામણીએ 15 ટકાથી વધુનો વધારો થયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, શ્રમિકોની અછત અને પતંગના મટિરિયલ પર GSTની અસરને કારણે આ વર્ષે પતંગના ભાવમાં અંદાજે 15 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગ્રાહકો ખરીદી પણ નથી કરી રહ્યા.પતંગ બનાવનારા વેપારીઓના કહેવા પ્રમાણે, કારીગરો હવે ગારમેન્ટના વ્યવસાય તરફ વળી રહ્યા છે. કારણ કે ત્યાં વધુ સારા મજૂરી દર મળે છે. કાગળ પર વધેલા GST એ પણ મુશ્કેલીમાં વધારો કર્યો છે, જેનાથી પતંગો મોંઘી બની છે.
ઉત્તરાયણ પર કેવો રહેશે પવન
હવામાન વિભાગે પતંગરસિયાઓને મોજ પડી જાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરાયણ સુધીમાં પવનની ગતિ વધીને 20 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ રાજ્યમાં 12 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 તી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમુક સમયે ઝટકાના પવન હોય ત્યારે 22 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઉત્તરાયણે પવનની ગતિને લઈ આગાહી કરી હતી. તેમણે કહ્યું કે, આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સાનુકૂળ રહેશે. જેનાથી પતંગબાજોને મોજ પડી જશે. સવારના સમયે પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાક આસપાસ રહેશે. આ ગતિ પતંગ ચગાવવા અનુકૂળ માનવામાં આવે છે. બપોર બાદ પવનના જોરમાં વધારો થશે અને ગતિ 12 થી 15 કિમી સુધી પહોંચળશે. આ ગતિ પતંગ ઉડાડવા ઉત્તમ ગણાય છે. વચ્ચે વચ્ચે આંચકાના પવન પણ આવશે.
આ પણ વાંચો…ઉત્તરાયણ મોંઘી બનશે, પતંગના ભાવમાં 15 ટકાનો વધારો



