પતંગરસિયાઓની મોજમાં પડશે વિઘ્ન! હવામાન વિભાગે કરી “માઠી આગાહી”

અમદાવાદઃ ગુજરાતમાં 14 અને 15 જાન્યુઆરી બે દિવસ લોકો ધાબા પર ચઢીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને બદલે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે.
રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત એક ટ્રફ પણ રાજસ્થાનથી લઈને અરબ સાગર સુધી લંબાયો છે. જેને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતની ઉપરના ભાગેથી પસાર થયું છે, જેથી તાપમાનમાં પણ મોટા ફેરફારની શક્યતાઓ નહિવત છે.
આ પણ વાંચો : Uttarayan 2025 : અમદાવાદ પોલીસ એકશન મોડમાં, જાહેરનામાના ભંગ બદલ 49 લોકોની ધરપકડ…
છુટાછવાયા હળવા વરસાદની શક્યતા
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસ દરમિયાન છુટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ છે. ઉત્તરાયણ પહેલા માવઠાથી રાજ્યના કેટલાક શહેરો ભીંજાઈ શકે છે. આ ઉપરાંત પવનની ગતિ પણ 10થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને પવનની દિશા ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફથી રહેશે.
હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આગામી 14 અને 15 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ સામાન્ય રહેવાની શક્યતા છે. ઠંડીનું પ્રમાણ પણ બે દિવસ દરમિયાન સારા પ્રમાણમાં રહેશે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતાં તાપમાનનો પારો ગગડી શકે છે. તેથી 14 અને 15 જાન્યુઆરી દરમિયાન પણ ગુજરાતમાં ઠંડકનો અનુભવ થશે.