
અમદાવાદઃ ઉત્તરાયણ આડે હવે ગણતરીના જ દિવસો રહ્યા છે. જોકે આ વખતે ઉત્તરાયણ મોંઘી બનશે. પતંગના કાચા માલ પર ટેક્સ અને કારીગરોની અછતના કારણે કિંમતમાં ગત વર્ષની સરખામણીએ 15 ટકાથી વધુનો વધારો થયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, શ્રમિકોની અછત અને પતંગના મટિરિયલ પર GSTની અસરને કારણે આ વર્ષે પતંગના ભાવમાં અંદાજે 15 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગ્રાહકો ખરીદી પણ નથી કરી રહ્યા.
કેટલો છે ભાવ
આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, રિટેલ માર્કેટમાં પતંગના ભાવ પ્રતિ કોડી તેના કદ અને પ્રકાર પર આધારિત રૂ. 100 થી રૂ. 200 ની વચ્ચે છે. રવિવારથી ખરીદી વધવાનો અંદાજ છે. હાલ મોટાભાગે લોકો છેલ્લી ઘડીએ પતંગ અને માંજો ખરીદવાનું પસંદ કરતા હોય છે.
પતંગ કેમ મોંઘા બન્યા
ગુજરાતમાંકુલ પતંગ ઉત્પાદનના 90 ટકા હિસ્સો અમદાવાદ, નડિયાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં થાય છે. બાકીનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં થાય છે. સૂત્રોએ જણાવ્યું કે, કાચા માલ પર GST 12 ટકાથી વધીને 18 ટકા થવાને કારણે અને ઇનપુટ ક્રેડિટ ન મળવાને કારણે ખર્ચ વધ્યો છે.
આ ઉપરાંત પેપર મિલો દ્વારા ભાવ વધારાને કારણે કાગળની કિંમત રૂ. 82 પ્રતિ કિલોથી વધીને રૂ. 89 થી વધુ થઈ ગઈ છે. તેમજ આસામથી લાવવામાં આવતા વાંસની કિંમતમાં વધારો અને આ વર્ષે ટ્રાન્સપોર્ટેશનના વધેલા ખર્ચને કારણે પતંગો મોંઘી થઈ છે. 9 તારના માંજાની ફિરકીનો ભાવ વાર મુજબ રૂ. 350 થી રૂ. 400 સુધી પહોંચ્યો છે.
પતંગ બનાવનારા વેપારીઓના કહેવા પ્રમાણે, કારીગરો હવે ગારમેન્ટના વ્યવસાય તરફ વળી રહ્યા છે. કારણ કે ત્યાં વધુ સારા મજૂરી દર મળે છે. કાગળ પર વધેલા GST એ પણ મુશ્કેલીમાં વધારો કર્યો છે, જેનાથી પતંગો મોંઘી બની છે.
ઉત્તરાયણ પર કેવો રહેશે પવન
હવામાન વિભાગે પતંગરસિયાઓને મોજ પડી જાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરાયણ સુધીમાં પવનની ગતિ વધીને 20 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ રાજ્યમાં 12 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 તી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમુક સમયે ઝટકાના પવન હોય ત્યારે 22 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઉત્તરાયણે પવનની ગતિને લઈ આગાહી કરી હતી. તેમણે કહ્યું કે, આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સાનુકૂળ રહેશે. જેનાથી પતંગબાજોને મોજ પડી જશે. સવારના સમયે પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાક આસપાસ રહેશે. આ ગતિ પતંગ ચગાવવા અનુકૂળ માનવામાં આવે છે. બપોર બાદ પવનના જોરમાં વધારો થશે અને ગતિ 12 થી 15 કિમી સુધી પહોંચળશે. આ ગતિ પતંગ ઉડાડવા ઉત્તમ ગણાય છે. વચ્ચે વચ્ચે આંચકાના પવન પણ આવશે.



