અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ માટે યુએસના વકીલ માઈક એન્ડ્રુઝે સ્થળ મુલાકાત લીધી

અમદાવાદ : અમદાવાદમાં 12 જૂન રોજ સર્જાયેલા પ્લેન ક્રેશની ઘટનામાં પીડિત પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. જેમાં ભારત અને યુકેના 65 પીડિત પરિવારોએ હાલમાં જ યુએસની ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની બાદ
તેમણે અમેરિકાની લો -ફર્મ બસ્લી એલનને નિયુક્ત કર્યા છે. જેના પગલે આ ફર્મે પણ કેસ લડવા માટે જરૂરી પુરાવા
એકત્ર શરુ કરવાની શરુઆત કરી છે.
માઈક એન્ડ્રુઝે પ્લેન ક્રેશ સાઈટની મુલાકાત લીધી

આ કેસમાં પ્રથમ વખત અમેરિકન વકીલ અને એવિએશન એક્સપર્ટ માઈક એન્ડ્રુઝે પ્લેન ક્રેશ સાઈટની મુલાકાત લીધી છે. તેમની સાથે એવિએશન અને લીગલ ટીમ પણ હાજર હતી. તેમણે આ ઘટના સ્થળનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ આ કેસ માટે જરૂરી પુરાવા પણ એકત્ર કરવા પ્રક્રિયા હાથ ધરી હતી. તેમજ તે આ પ્લેન ક્રેશમાં બચી જનારા વિશ્વાસની મુલાકાત લઈને સમગ્ર અહેવાલ તૈયાર કરશે.
આ પણ વાંચો: એર ઈન્ડિયાને 6 મહિનામાં 9 શો-કોઝ નોટિસ: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે સરકારનો ખુલાસો…
કોકપીટ વોઇસ રેકોર્ડરનો ડેટા જાહેર કરવા સરકારને વિનંતી
આ ઉપરાંત એન્ડ્રુઝે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તેમજ કોકપીટ વોઇસ રેકોર્ડરનો ડેટા જાહેર કરવા સરકારને વિનંતી કરી છે. જેથી તેનું વિશ્લેષણ કરી શકાય અને વધુ કાનૂની વિકલ્પો શોધવામાં મદદ મળે.
બોઈંગ કંપની સામે અનેક સવાલો ઉભા થયા
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે બોઈંગ કંપની સામે અનેક સવાલો ઉભા થયા છે. જેના કારણે આ કેસ હવે અમેરિકાની ફેડરલ કોર્ટમાં પહોંચ્યો છે. આ ઘટનામાં 65થી વધુ પરિવારો કાયદાકીય પ્રક્રિયામાં જોડાયા છે અને માઈક એન્ડ્રુઝ તેમની લડાઈ લડી રહ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના સ્વજનોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. જે આ કેસને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે હવે આ બાબતે પણ કરવામાં આવશે તપાસ, એજન્સી એલર્ટ…
અમદાવાદ પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જે ઉડાન ભર્યાની બે મિનિટમાં જ મેડિકલ હોસ્ટેલ સંકુલ પર અથડાયું હતું. આ પ્લેનમાં આગ લાગતાં સવાર 242 માંથી 241 લોકો મોતને ભેટ્યા હતાં. જયારે એકમાત્ર વિશ્વાસ નામના મુસાફરનો આબાદ બચાવ થયો હતો. જયારે આ દુર્ઘટનામાં અન્ય 19 લોકોના મોત થયા હતા.