અમદાવાદ

ગુજરાતમાં ‘મહા’ મહીને માવઠાની એન્ટ્રી, મહીસાગર અને પંચમહાલમાં વાતાવરણમાં પલટો

અમદાવાદ: મહીસાગર જિલ્લા સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભરશિયાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જવાની સાથે વાતાવરણમાં પલટો આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે મહીસાગરના છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, સવારથી જ સૂર્યપ્રકાશ ગાયબ થઈ જતાં અને આકાશ વાદળોથી ઘેરાયેલું રહેતા સ્થાનિકોએ શિયાળાના મધ્યમાં અષાઢી માહોલનો અનુભવ કર્યો હતો.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત મહીસાગર, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ એમ ચાર જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ અને ‘નાઉકાસ્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા અને મોરવા રેણાં પંથકમાં પણ વહેલી સવારથી જ માવઠું થતાં રસ્તાઓ ભીના થયા હતા. વહેલી સવારે કામે નીકળતા લોકો અને વાહનચાલકોને વરસાદી ઝાપટાંના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કમોસમી વરસાદના આ રાઉન્ડથી સૌથી વધુ ચિંતા જગતના ખેડૂતોમાં જોવા મળી રહી છે. હાલ શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે ભરશિયાળે પડેલા માવઠાના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉં, જીરું અને ચણા જેવા પાકોમાં જો વધુ વરસાદ પડે તો ભારે આર્થિક નુકસાન થઈ શકે તેમ છે.

આપણ વાંચો:  ધારાસભ્ય ઝાલા બગડ્યા, બે બટન ખોલીને બજારમાં નિકળું તો…………….

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button