અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં 103 તાલુકાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ; ભાવનગરનાં મહુવામાં 7 ઇંચ જેટલો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

અમદાવાદ: ગુજરાતના વાતાવરણમાં ગઇકાલે સાંજથી જ પલટો આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહ્યો હતો અને રાજ્યનાં 103 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ભાવનગરનાં મહુવામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

મહુવામાં કુલ 7 ઇંચ જેટલો વરસાદ

મળતી વિગતો અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. આજે બીજા દિવસે પણ રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહ્યો હતો. આજે રાતે 8:30 વાગ્યા સુધીમાં રાજ્યનાં 103 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવામાં ખાબક્યો હતો, જ્યાં છેલ્લા 4 કલાકમાં જ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મહુવામાં કુલ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં વરસાદ

તે ઉપરાંત અમરેલી જિલ્લામાં લાઠીમાં 2.4 ઈંચ, સાવરકુંડલામાં 2.13 ઈંચ અને લિલિયામાં 1.9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલીમાં 1.8 ઈંચ, બાબરામાં 1.6 ઈંચ અને ગોંડલમાં 1.3 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના થરાદમાં પણ 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. આંકડાઓ મુજબ, આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 8 તાલુકામાં 1 ઈંચથી વધુ, 3 તાલુકામાં બે ઈંચથી વધુ અને 1 તાલુકામાં તો ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં વરસાદ

આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં સાંજનાં સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા અને પાણીનો ભરાવો થયો હતો.

આ પણ વાંચો ગુજરાતમાં આવતીકાલે 18 જિલ્લામાં મોક ડ્રીલ, રાતના 7.30 વાગ્યાથી આઠ વાગ્યા સુધી રહેશે બ્લેકઆઉટ

18 લોકોનાં મૃત્યુ

ગુજરાતમાં ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી અષાઢી માહોલ સર્જાયો હતો. ગત મોડી રાતથી જ રાજ્યનાં અનેક સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ કુદરતી આફતના કારણે રાજ્યભરમાં ભારે તારાજી પણ સર્જાઈ છે, જેમાં અલગ-અલગ ઘટનાઓમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 26 જેટલા પશુઓ પણ મોતને ભેટ્યા છે.

હજુ વરસાદ પડવાની આગાહી

આ કમોસમી વરસાદથી એક તરફ ગરમીથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ ખેડૂતો તેમના ખેતરમાં ઉભેલા પાકને લઈને ચિંતિત બન્યા છે. ભારે પવન અને કરાંના કારણે કેરી, કપાસ અને અન્ય પાકોને નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 મેના રોજ પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button