ધોલેરા-ભાવનગર હાઇવે પર બે બસ ટકરાઈ, ૧૦ ઈજાગ્રસ્ત, ૩ની હાલત ગંભીર

અમદાવાદ: રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો હતો. ધોલેરા-ભાવનગર હાઈવે પર હેબતપુર ગામ નજીક બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 10 લોકોને ઇજાઓ પહોંચી હતી, જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી વિગતો અનુસાર ધોલેરા-ભાવનગર હાઈવે પર આજે સવારે હેબતપુર ગામ નજીક બે લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. આ અકસ્માતમાં કુલ ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૩ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત નટરાજ ટ્રાવેલ્સ અને બદ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ વચ્ચે થયો હતો. બંને બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. નટરાજ ટ્રાવેલ્સની બસ જ્યારે વળાંક લઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી બદ્રીનાથ ટ્રાવેલ્સની બસ તેની સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નટરાજ ટ્રાવેલ્સની બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. બદ્રીનાથ ટ્રાવેલ્સની બસનો આગળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતના કારણો જાણવા તેમજ ટ્રાફિક ક્લિયર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ધોલેરા-ભાવનગર હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ વારંવાર બનતી રહે છે.
આપણ વાંચો: રાજકોટમાં દારૂ પીને ન આવવા ટકોર કરતાં ખૂની ખેલ! ધોકા અને પાઇપથી હુમલો, કારમાં તોડફોડ