અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 'તરતા સોના' સાથે બેની ધરપકડ કરી, 2.97 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ‘તરતા સોના’ સાથે બેની ધરપકડ કરી, 2.97 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી, એટલે કે એમ્બરગ્રીસ સાથે બે શખસની ધરપકડ કરી હતી. આ દુર્લભ ‘તરતા સોના’ તરીકે ઓળખતી ઊલટી (એમ્બરગ્રીસ)નો 2.97 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2.97 કરોડ આંકવામાં આવી છે. પોલીસે સરખેજ-સાણંદ હાઇવે પર ગીબપુરા ગામ નજીકથી ભાવનગર અને અમદાવાદના કુલ બે શખ્સની ધરપકડ કરી હતી.

મળતી વિગતો અનુસાર અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે સરખેજ-સાણંદ હાઇવે રોડ પર ગીબપુરા ગામ નજીકથી શંકાસ્પદ શખસોને રોકી તપાસ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે એમ્બરગ્રીસનો જથ્થો ભાવનગરના ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા પાસેથી મેળવને તેનું વેચાણ કરવા માટે ગ્રાહકની શોધખોળ કરી રહ્યા હતા. એસઓજીની ટીમે આ કેસમાં ભાવનગરના રહેવાસી યોગેશભાઈ તુળશીભાઈ મકવાણા (ઉંમર: 30) તેમજ અમદાવાદના રહેવાસી પિન્ટુકુમાર ભરતભાઈ પટેલ (ઉંમર: 37)ની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન બન્ને આરોપીઓ પાસેથી કુલ 2.976 કિલોગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે ₹2.97 કરોડ જેટલી આંકવામાં આવે છે. તે ઉપરાંત પોલીસે બે મોબાઇલ ફોન અને ₹700 રોકડ પણ કબ્જે કરી હતી, આમ કાર્યવાહી દરમિયાન પ્પોલીસે કુલ ₹2,97,62,700ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 ઓગષ્ટના રોજ પોલીસે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એરકાર્ગો રોડ પાસેના એક ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને રાજુ ઉર્ફે રાજેશ પુનમચંદ મારવાડી નામના એક શખસને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતી સ્પર્મ વ્હેલ માછલીની ઊલટીનો બે કિલોના જથ્થા જપ્ત કર્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button