અમદાવાદના પીરાણામાં ‘કચરાની સુનામી’: ફેક્ટરીઓ-વાહનોને ભારે નુકસાન, લોકો જીવ બચાવીને ભાગ્યા…

અમદાવાદઃ શહેરના પીરાણામાં ભયંકર દૃશ્ય સામે આવ્યું હતું. ડમ્પિંગ સાઈટના પાણી અને કચરાનું સુનામી જેવું વહેણ આવતાં ફેક્ટરીઓ-વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકો જીવ બચાવવા નાસી છૂટ્યા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મળતી વિગત પ્રમાણે, 1 ઓક્ટોબર 2025ના રોજ બપોરના સમયે પીરાણા ડમ્પિંગ સાઈડની આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં કચરાના ઢગલા સાથે દરિયાના મોજાની જેમ પાણી આવતું હોય તેવી રીતે પાણી ફેક્ટરીઓની આસપાસ ફરી વળ્યા હતા. પાણી ઉપરથી નીચે પડ્યું જેથી આસપાસમાં રહેલા કૂતરાઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. ફેક્ટરીઓની બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા. કચરા સાથે કાળાકલરનું પાણી ફેક્ટરીઓની આસપાસ ફરી વળતાં ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું હતું.

પીરાણા ડમ્પિંગ સાઈડ પર બહેરામપુરા સિકંદર માર્કેટ તરફ અજમેરી સાઇટ તરફનો ઢગલા પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું, જેના કારણે આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી સાથે કચરો આવવાના કારણે મોટી સંખ્યામાં વાહનો અને ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું હતું. સ્થાનિકે કેમિકલ યુક્ત પાણી ભેગું થયું હોવાના કારણે ઢગલો ઢસી પડતાં દરિયાના મોજાના લહેરની જેમ આજુબાજુમાં પાણી-કચરો ફરી વળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, જે પાણી કચરાના ઢગલા સાથે આવ્યું છે, તેના સેમ્પલ લઇ અને કાર્યવાહી કરવામાં આવશે. પીરાણા ડમ્પિંગ સાઈટની આસપાસ આવેલી ફેક્ટરીઓમાં તપાસ કરી અને સિલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રે કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોય તો ચોક્કસથી રાત્રે રાઉન્ડ લઈ કાર્યવાહી કરવામાં આવશે. કેમિકલ યુક્ત અથવા અન્ય કોઈ પાણી બહાર ન આવે તેના માટે ચોક્કસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવશે.