અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે અડધો ખુલ્લો અડધો બંધઃ વાહનચાલકોને પરેશાની…

અમદાવાદઃ ભાવનગરથી અમદાવાદ જતા અને ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ રૂટ સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. અમદાવાદ તરફ ઘણા કિલોમીટરની મુસાફરી કર્યા પછી, ઘણા વાહનચાલકોને પાછા ફરવાની ફરજ પડી છે કારણ કે પીપલી અને વેજલકા ઇન્ટરચેન્જ આંશિક રીતે કાર્યરત છે, તેમ વાહનચાલકો જણાવી રહ્યા છે.
અગાઉ લોકો પીપલી અને ફેદરા થઈને બગોદરા હાઇવે અને પછી અમદાવાદ પહોંચવા માટે જૂના રૂટનો ઉપયોગ કરતા હતા. નવા એક્સપ્રેસ વે સાથે, મુસાફરો પીપલીથી વેજલકા ઇન્ટરચેન્જ તરફ મુસાફરી કરી શકે છે અને સીધા એસપી રિંગ રોડ સાથે જોડાઈ શકે છે. જો કે, એક્સપ્રેસ વે સત્તાવાર રીતે પૂર્ણ થયો ન હોવાથી, અધિકારીઓ દ્વારા કોઈપણ સત્તાવાર માહિતી વિના, ઇન્ટરચેન્જ ખોલવામાં અને બંધ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો વાહનચાલકો કરી રહ્યા છે.
પ્રવાસીઓના જણાવ્યા અનુસાર પ્રશાસન ધોલેરા એક્સપ્રેસવે મનફાવે તે રીતે ખોલે છે અને બંધ કરે છે. ભારે ટ્રાફિક હોય છે, પરંતુ તેઓ રસ્તાની વચ્ચે ડિવાઇડર અને બેરકેડ્સ મૂકે છે. જો તેઓ રસ્તો બંધ રાખવા માંગતા હોય, તો તેમણે તેને સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ અથવા તેને યોગ્ય રીતે ખોલવો જોઈએ. જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસવેના પ્રોજેક્ટના સૂત્રોએ મીડિયા સાથે વાત કરતા સાઇનેજ, ડિવાઇડર પેઇન્ટિંગ અને અન્ય નાના કાર્યો જેવા ફિનિશિંગ કામો હજુ પણ ચાલુ છે અને 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. પીપલીથી આગળનો ભાગ હજુ સુધી સામાન્ય ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, જોકે બાંધકામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વાહનો તેનો ઉપયોગ ચાલુ રાખે છે. જોકે મુંબઈ સમાચાર દ્વારા અધિકારીનો સીધો સંપર્ક થઈ શકયો નથી.



