
અમદાવાદ: શહેરના જુના વાડજ વિસ્તારમાં કિન્નરો દાદાગીરીની કરતાં હોવાની ઘટનાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી શહેરમાં 10 જેટલા કિન્નરોએ મળીને એક પરિવાર પર હુમલો કર્યો અને ઘર ખાલી કરવાની ધમકી આપી હતી. કિન્નરોએ હથોડી, લાકડીથી ઘરમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે.
Also read : લો બોલોઃ ગુજરાત હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસનાં મોબાઈલ ચોરાયાં
વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
આ અંગે શહેરના જુના વાડજમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં રહેતી પીડિત શિવાની વ્યાસે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર જ્યારે તે તેના પરિવાર સાથે ઘરે હતી, ત્યારે 10 કિન્નરો પાછળના દરવાજામાંથી કૂદી પડ્યા અને દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યા હતા. હથિયારો લઈને આવેલા કિન્નરોએ પરિવારના સભ્યોને ડરાવ્યો હતો અને ઘર ખાલી કરવાની ધમકી આપી હતી.
કાર અને ટુવ્હીલરમાં તોડફોડ કરી
તેણે કહ્યું હતું કે જીવ બચાવવા માટે તમામ લોકો ડરીને એક રૂમમાં છુપાઈ ગયા હતા. આ સમયે કિન્નરોએ તેમના ઘરમાં ઘૂસીને ડાઈનિંગ ટેબલ, બારીના કાચ, ઇલેક્ટ્રીક આઇટમ તેમજ બહાર પાર્ક કરેલી કાર અને ટુવ્હીલરમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી.
Also read : ભાવનગરના પાળિયાદમાં એસ.ટી બસમાં મહિલા પાસે 4.28 લાખના ઘરેણાંની ચોરી
10 કિન્નરો સામે ફરિયાદ
ઘટના બાદ પરિવારે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, પરંતુ પોલીસ આવે તે પહેલાં જ બધા કિન્નરો ભાગી ગયા હતા. વાડજ પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને કામિની દે, જિયા દે, હિના દે, સાવન દે, ગઝાલા દે, સોનમ દે, રિમઝીમ દે, અંજના દે, કરીના દે અને ઇશિતા દે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.