અમદાવાદની બહાર પણ ટ્રાફિક સમસ્યા: ટ્રાફિકના નિયમભંગનો રાફડો ફાટ્યો | મુંબઈ સમાચાર

અમદાવાદની બહાર પણ ટ્રાફિક સમસ્યા: ટ્રાફિકના નિયમભંગનો રાફડો ફાટ્યો

અમદાવાદ: ટ્રાફિકની સમસ્યા અને નિયમભંગ હવે માત્ર અમદાવાદ શહેર પૂરતા મર્યાદિત નથી રહ્યાં. બોપલ, શિલાજ, ઘુમા, શેલા અને આસપાસના અન્ય વિકસિત વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોના ભંગના કિસ્સાઓમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, પરિણામે અકસ્માતમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના આંકડાઓ મુજબ એપ્રિલ 2024થી ડિસેમ્બર 2024 સુધીમાં 24,674 ઇ-ચલણ ઇશ્યુ થયા હતા અને ₹2,40,30,750નો દંડ ફટકારાયો હતો. પરંતુ 2025ના પહેલા સાત મહિનામાં આ આંકડો 73 ટકા વધીને 42,718 ઇ-ચલણ સુધી પહોંચી ગયો હતો.

બોપલ પોલીસ સ્ટેશન હેઠળના પોશ વિસ્તારોમાં ટ્રાફિક નિયમભંગમાં ભારે વધારો થયો હતો. 2024માં અહીં માત્ર 568 ઇ-ચલણ ઇશ્યુ થયા હતા, જે 2025ના પહેલા સાત મહિનામાં વધીને 2,342 થયા હતા. દંડની રકમ પણ ચાર ગણી વધીને ₹ 12,59,100 થઈ હતી.

બોપલ અને શિલાજ જેવા વિસ્તારોમાં સવાર-સાંજ ટ્રાફિક જામ સામાન્ય છે. આ સમસ્યાને અટકાવવા માટે પોલીસે નિયમભંગ કરનારા વાહનોને ટોઈંગ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં પોલીસ ત્રણ ક્રેન ખરીદવાની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ મંજૂરી મળ્યા બાદ નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક થયેલા અને ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનોને ટોઈંગ કરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના સૂત્રો મુજબ, પોલીસ ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવી રહી છે, જેના કારણે ચલણની સંખ્યા વધી છે. ટોઈંગ વાન મળ્યા બાદ પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન કરનારા દરેક વાહન સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો…ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા થાણે શહેરમાં ‘પોડ ટેક્સી’ શરૂ કરાશે

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button