અમદાવાદ

ઘાટકોપરની જેમ રાજકોટના વેપારીઓ પણ ફેરીવાળાઓ સામે જંગે ચડ્યા, માર્કેટ બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ તાજેતરમાં જ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ફેરીયાવાળાના ત્રાસનો મુદ્દો મુંબઈ સમાચાર દ્વારા સતત પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે ત્યારે આવી જ સમસ્યાઓનો સામનો રાજકોટના વેપારીઓ પણ કરી રહ્યા છે. રાજકોટમાં મંગળવારે વેપારીઓ અને શેરી ફેરિયાઓ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો, જેના કારણે લાખાજીરાજ રોડ પર આવેલા સદીઓ જૂના લાખાજી રાજ માર્કેટમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં દુકાનો બપોરે 1 વાગ્યા સુધી બંધ રહી હતી.

વેપારીઓનો આરોપ છે કે ફેરિયાઓ દ્વારા સતત અતિક્રમણને કારણે તેમના વેપાર-ધંધાને અસર થાય છે. ખાસ કરીને રવિવારે ફેરિયાઓ દુકાનોની બહાર સાદડીઓ નાખી બેસી જાય છે, લોકોની એન્ટ્રી બંધ થઈ જાય છે અને અવરજવરમાં અગવડતા રહે છે. વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષથી હેરાનગતિ ચાલુ છે અને વારંવાર વિરોધ છતાં, બજાર વિસ્તારમાંથી કાયમી ધોરણે અતિક્રમણ દૂર કરવાની તેમની માંગણીનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી.

મંગળવારે પાડવામાં આવેલા બંધમાં લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા ચોકની આસપાસના વિસ્તારોના લગભગ 1,500 વેપારી જોડાયા હતા. સાંગણવા ચોક ખાતે પણ ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વેપારીઓએ તાત્કાલિક વહીવટી હસ્તક્ષેપની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

લાખાજીરાજ રોડ વેપારી સંગઠનના સૂત્રઓ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 100 વર્ષથી વધુ જૂનું અને કરિયાણાથી લઈને કપડાં અને ફૂટવેર સુધીની દૈનિક ઘરની જરૂરિયાતો પૂરી પાડતું આ બજાર વર્ષોથી ઘણી સમસસ્યાઓનો સામનો કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો મંગળવારના વિરોધ અને રજૂઆત પછી પણ આ મુદ્દો ઉકેલાશે નહીં, તો વેપારીઓ તેમની આખા અઠવાડિયા સુધી બજાર બંધ રાખવા તૈયાર છે.

આ પણ વાંચો…ઘાટકોપર સ્ટેશન બહાર બહુમાળીય બિલ્ડિંગમાં આગ: કોઈ જખમી નહીં

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button