અમદાવાદમાં ‘ઝેરી’ હવા: શિયાળાની શરૂઆતમાં બોપલ સહિતના પોશ વિસ્તારોમાં પ્રદૂષણ વધ્યું, સ્થાનિકોની હાલત ચિંતાજનક…

અમદાવાદ: શહેરમાં શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તા પણ બગડી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 253 નોંધાયો હતો. આ સિવાય અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવાનું સ્તર ઊંચું જોવા મળ્યું હતું. ગ્યાસપુર અને રાયખડમાં એર-ક્વોલિટી ઇન્ડેક્સ સ્તર અનુક્રમે 193 નોંધાયું હતું, જેમાં પીએમ10 અને એનઓ2 મુખ્ય પ્રદૂષકો હતા. જ્યારે રખિયાલ, ચાંદખેડા, જોધપુર અને એરપોર્ટ વિસ્તારમાં હવાની ગુણવત્તા મધ્યમ (117 થી 147 વચ્ચે) નોંધાઈ હતી.
સૂત્રો મુજબ શિયાળાની શરૂઆતમાં તાપમાન ઘટવા, પવનની સ્થિરતા અને સ્થાનિક ઉત્સર્જનને કારણે પાર્ટિક્યુલેટ મેટર જમીનની નજીક ફસાઈ જાય છે, જેના કારણે આવા વધારા સામાન્ય છે. બોપલ મુખ્યત્વે રહેણાંક વિસ્તાર છે,તેથી તેની ખરાબ હવાની ગુણવત્તા વધુ ચિંતાજનક છે. પીએમ10 અને પીએમ2.5ના ઊંચા સ્તરો કારખાનાઓમાંથી નહીં, પરંતુ રોડની ધૂળ અને બાંધકામમાંથી આવે છે. રસ્તાઓની હાલત ખરાબ છે અને વાહનો પસાર થાય ત્યારે સૂક્ષ્મ રજકણો ઉત્પન્ન થાય છે.
અમદાવાદનું પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક તેના શહેરી વિસ્તરણ સાથે ગતિ જાળવી શક્યું નથી, જેનાથી વધુ રહેવાસીઓ ખાનગી વાહનો તરફ વળી રહ્યા છે. સતત ટ્રાફિકથી જામી ગયેલી ધૂળ ઊંચે ચડે છે અને હવાની ગુણવત્તાને વધુ બગાડે છે. આ ઉપરાંત, મોટા ભાગના બાંધકામ સ્થળો પાણીનો છંટકાવ કરવા અથવા કાટમાળને ઢાંકવા જેવા ધૂળ નિયંત્રણના મૂળભૂત પગલાંને અવગણે છે. નવા પ્રોજેક્ટ્સ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જેનાથી નેચરલ ફિલ્ટરેશન ઓછું થાય છે. જેમ જેમ શિયાળો જામશે તેમ ઠંડી હવા અને શાંત પવનો પ્રદૂષકોને સપાટીની નજીક લાવશે. આવતા અઠવાડિયામાં ફટાકડા અને ઠંડી રાતો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
તબીબોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ અઠવાડિયામાં પોસ્ટ-વાયરલ બ્રોન્કાઇટિસના વધુ કેસમાં વધારો થયો છે. જેમાં એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલતી લાંબી ઉધરસ, ગળામાં બળતરા, તાવ અને કફની ફરિયાદ હોય છે. અસ્થમા અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝના દર્દીઓમાં પણ વધુ ફ્લેર-અપ્સ નોંધાઈ રહ્યા છે.
આ ઉપરાંત શહેર હાલમાં બેવડી ઋતુનો સામનો કરી રહ્યું છે, જે લોકોને અસ્થમા હોય અથવા બ્રોન્કાઇટિસથી પીડાતા હોય તેમણેવહેલી સવાર અને મોડી સાંજે (જ્યારે પ્રદૂષણ ટોચ પર હોય છે) બહાર જવાનું ટાળવી જોઈએ અને જરૂર પડે તો માસ્ક પહેરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે અમદાવાદની હવાની ગુણવત્તા સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બગડે છે, પરંતુ આ વખતે ઓક્ટોબર મહિનો અડધો થયો છે ત્યાં જ ગુણવત્તા ખરાબ થઈ છે. બોપલ અને રાયખડ જેવા સ્થાનિક હોટસ્પોટ્સમાં સતત વધી રહેલું પ્રદૂષણ શહેર માટે ચિંતાનો વિષય છે.