આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધામધૂમથી ઉજવાશે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ

અમદાવાદ: આજે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. રાજકોટ, પાલીતાણા, ભાવનગર, જેતપુર અને ખંભાળિયા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જન્મોત્સવ ઉજવવામાં આવશે.
આ પ્રસંગે પ્રભાતફેરી, શોભાયાત્રા, વધાઈ કીર્તન, રાજભોગ અને મહાસત્સંગ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતપુરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે, જ્યારે અન્ય શહેરોમાં પણ વૈષ્ણવ સમાજ દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.
એ વિશેષ નોંધવું રહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણના મહાન ભક્તોમાં વલ્લભાચાર્યજીનું પણ વિશેષ સ્થાન છે. ભક્તિને પુષ્ટિનું સ્વરૂપ જો કોઈએ આપ્યું હોય તો એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આપ્યું છે. વલ્લભાચાર્યની જન્મજયંતિ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે વરુથિની એકાદશીના રોજ ઉજવવામાં આવે છે. આજે ૨૪મી એપ્રિલના રોજ વલ્લભાચાર્ય જયંતિ છે. એવું કહેવાય છે કે વલ્લભાચાર્યજીનો શ્રીનાથજી સાથે ઊંડો સંબંધ છે.