‘સફેદ સોના’માં ગુજરાત અવ્વલ: આજે ‘વિશ્વ કપાસ દિવસ’, જાણો કપાસના ઉત્પાદનમાં દેશે ગુમાવેલી બાજી ગુજરાતે કેવી રીતે પલટી?

કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે.
ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતની વર્ષ ૧૯૬૦માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર ૧૩૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતી, જે આજે વધીને આશરે ૫૧૨ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે, જે દેશની સરેરાશ કપાસ ઉત્પાદકતા કરતા પણ વધુ છે. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કે, સંશોધન, વિસ્તરણ, સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને કપાસ દ્રારા અબજો રૂપિયાની આવક થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કપાસ સંદર્ભે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે સુતરાઉ કાપડની મોટાભાગની મીલો ભારતમાં રહી અને કપાસનું સારૂ ઉત્પાદન કરતો પ્રદેશ પાકિસ્તાનના ભાગે ગયો. પરિણામે ભારતમાં કાચા માલની ખેંચ રહેવાથી કિંમતી હુંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી કપાસની આયાત કરવી પડતી હતી.
વર્ષ ૧૯૭૧માં સુરત ખાતેના સંશોધન ફાર્મ દ્વારા સંશોધન બાદ વિકસાવેલી કપાસની સંકર-૪ નામની જાત પછી સમગ્ર દેશમાં સંકર કપાસનો યુગ શરૂ થયો અને ટૂંક સમયમાં જ ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો. જેના પરિણામે ભારતની કાચા માલની જરૂરીયાત તો પૂર્ણ થઈ જ, પરંતુ વધારાના ઉત્પાદનની નિકાસ પણ આપણો દેશ કરતો થયો. વર્ષ ૨૦૨0-૨૧માં ભારતે રેકોર્ડ બ્રેક રૂ. ૧૭,૯૧૪ કરોડની કિંમતના કપાસનો નિકાસ કર્યો હતો. વર્ષ ૨૦૦૧-૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે ૧૭.૪૯ લાખ હેક્ટર હતો, તે વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં વધીને ૨૩.૭૧ લાખ હેક્ટર થયો છે. સાથે જ, કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૧ લાખ ગાંસડી અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૫૧૨ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.

ગુજરાત આજે કપાસના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમે છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨૧.૩૯ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને આ વર્ષે પણ કુલ ૭૩ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. આજે દેશના કુલ કપાસ વાવેતરમાં ૨૦ ટકા અને કુલ કપાસ ઉત્પાદનમાં આશરે ૨૫ ટકાનો ફાળો ગુજરાતનો છે.
આગળ તેમણે જણાવ્યું હતું કે, બીટી કપાસ યુગમાં પણ સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાત સરકારના સઘન પ્રયત્નો થકી જાહેર ક્ષેત્રની પ્રથમ ૨ બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨ને વર્ષ ૨૦૧૨માં ભારત સરકાર દ્રારા માન્યતા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં અન્ય બે બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૧૦ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૧૨ બીજી-૨ જાતો વિકાસવીને ગુજરાતે ખેડૂતોને કપાસ વાવેતર માટે બીટી કપાસની ચાર જાતો વાવેતર માટે ઉપલબ્ધ કરાવી.
આ પણ વાંચો…ખરીફ કપાસની મોસમમાં ટેકાના ભાવના ધોરણોનું પાલન કરવા કેન્દ્રનો રાજ્યોને અનુરોધ