અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતનો જીજ્ઞેશ પટેલ આ કારણે બની ગયો વસીમ ખલીલ, પણ કારસો કામ ન આવ્યો ને…

અમદાવાદ: ગુજરાતથી અમેરિકા જવા માટેની ઘેલછા કેટકેટલું કરાવે તેવી અનેક ઘટનાઓ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોનાં ભારત પરત ફર્યા બાદ સામે આવી છે. અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા લોકોની સામે કાર્યવાહીનો દોર ચાલ્યો છે અને ડંકી રૂટથી અમેરિકા પહોંચેલા લોકોની સામે અમેરિકાએ આકરું વલણ અપનાવીને દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં કલોલનો જીગ્નેશ પટેલ અમેરિકા જવા માટે મુસ્લિમ વસીમ બની ગયો હતો. જો કે અમેરિકામાં તેની આ છેડછાડનો ભાંડો ફૂટી ગયો હતો.

વાયા કેનેડા પહોંચ્યો અમેરિકા
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરનાં ગાર્ડનસીટી ફ્લેટ, કલોલ ગાંધીનગરનાં રહેવાસી 31 વર્ષીય જીગ્નેશ જગદીશભાઈ પટેલે અમેરિકા જવા માટે પાસપોર્ટ સાથે છેડા કર્યા હતા. આ માટે જીગ્નેશ પટેલ વસીમ ખલીલ બની ગયો હતો અને મુસ્લિમ નામ ધારણ કરીને ભારતીય પાસપોર્ટ પર દિલ્હીથી કેનેડા ગયો હતો અને ત્યાંથી તે અમેરિકા ગયો હતો.

અમેરિકા ઍરપોર્ટ પર ફૂટ્યો ભાંડો
જો કે જીગ્નેશ પટેલનો અમેરિકા ઍરપોર્ટ પર જ ભાંડો ફૂટી ગયો હતો. આથી તેને એરપોર્ટ પરથી જ લીલા તોરણે ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. અમેરિકા જવા માટે જિગ્નેશ પટેલે વસીમ ખલીલ નામનો પાસપોર્ટ બનાવ્યો હતો અને તેનો ઉપયોગ કરીને તે દિલ્હીથી કેનેડા ગયો અને ત્યાંથી અમેરિકા પહોંચ્યો હતો. પાસપોર્ટમાં ચેડા કરીને ખોટું નામ ધારણ કરીને મુસાફરી કરી હોય જેના વિરૂદ્ધમાં અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ આ મામલે SOGની ટીમ તપાસ કરી રહી છે.

એસી પટેલ બન્યો પાકિસ્તાની મોહમ્મદ નજીર હુસૈન
આ ઉપરાંત ગુજરાતના રહેવાસી એસી પટેલ અમેરિકામાં પાકિસ્તાનના મોહમ્મદ નજીર હુસૈન બનીને પહોંચ્યા હોવાની પણ ઘટના સામે આવી હતી. બારમી ફેબ્રુઆરીના ફ્લાઈટ સંખ્યા એએ-292 દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી હતી. આ જ ફ્લાઈટમાં એસી પટેલને અમેરિકન અધિકારીઓએ પરત મોકલ્યા હતા. દિલ્હી એરપોર્ટ પહોંચ્યા પછી તેની ધરપકડ કરી હતી. ઈમિગ્રેશનના અધિકારીઓને પાસપોર્ટ જોઈને આશ્ચર્ય થયું હતું. કારણ કે આ પાસપોર્ટ બનાવટી નહોતો, પરંતુ અસલી પાસપોર્ટ હતો. આરોપીએ કબૂલ્યું હતું કે એ પાકિસ્તાની નાગરિકનો ખોવાયેલો પાસપોર્ટ હતો. દિલ્હી પોલીસે છેતરપિંડી અને પાસપોર્ટના દુરુપયોગનો કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો…Gujarat માં એક વર્ષમાં 496 કરોડની જીએસટી ચોરી, દંડ પેટે 246 કરોડની વસૂલાત

અત્યાર સુધીમાં અમેરિકાથી 344 ભારતીય પરત ફર્યાં
20મી જાન્યુઆરીના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદેથી શપથ લીધા પછી ગેરકાયદે વિદેશીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં ચાર ફ્લાઈટ મારફત 344 ભારતીય નાગરિકને ભારત પરત મોકલવામાં આવ્યા છે, જેમાં પાંચમી ફેબ્રુઆરીના અમેરિકન એરફોર્સના વિમાન મારફત 104 ભારતીય નાગરિકને અમૃતસર એરપોર્ટ પર લાવ્યા હતા, ત્યાર બાદ પંદર ફેબ્રુઆરી (116 નાગરિક) અને 24 ફેબ્રુઆરીના તુર્કીય એરલાઈન્સની ફ્લાઈટથી 12 ભારતીયને ભારત મોકલવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button