નોરતા પર મેઘાનું ‘ગ્રહણ’ આજથી ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં એકતરફ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી આગાહી હવામાન વિભગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જ આજ સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નોરતામાં વરસાદી માહોલના એંધાણથી ગરબા આયોજકો અને ખેલૈયાઓ બંને ચિંતામાં મુકાઇ ગયા છે. આ દરમિયાન મોદી રાતથી જ નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ હતી.
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં, એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં, એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તેમજ કચ્છમાં અમુક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદબાદ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જો કે આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4.21 ઇંચ પડ્યો હતો. ડાંગના આહવામાં 3.78 ઇંચ, વઘઇમાં 2.76 ઇંચ, સુબીરમાં 2.52 ઇંચ, ઉમરગામમાં 2.48 ઇંચ, પારડીમાં 2.20 ઇંચ, વલસાડમાં 2.13 ઇંચ અને ખેરગામમાં 2.09 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો…વિજળીના ગડગડાટ સાથે મુંબઈમાં વરસાદ શરૂ; મુંબઈમાં રવિવારે રેડ અલર્ટ: ભારેથી અતિભારે વરસાદની આગાહી