અમદાવાદરાજકોટ

અમદાવાદમાં આંધી; રાજકોટના વિંછિયામાં સોપારી જેવા કરા સાથે કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોની ચિંતા વધી

રાજકોટ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક જિલ્લામાં ભારે પવન, ધૂળની આંધી, કરા પડવા સહિત કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અમદાવાદમાં ધૂળની આંધી તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર સહિત જિલ્લાના વિંછીયા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે સોપારી જેવા મોટા કરા પડ્યા હતા. આ કમોસમી વરસાદ અને કરાના કારણે ખેતરોમાં ઉભેલા જુવાર, બાજરી અને તલ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

બોટાદ જિલ્લામાં વરસાદ

વિંછીયા ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને પાળિયાદ, રાણપુર સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. દરમિયાન, ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની આંધી સાથે ભારે પવન ફૂંકાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં પલટોઃ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

ખેડૂતો માટે આફતરૂપ

આ વરસાદ અને વાતાવરણમાં આવેલા ઠંડકના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, તેઓને ભારે નુકસાન થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં ક્યાંક વરસાદનું ઓરેન્જ તો કયાક યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button