દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ, 3 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા
![gujarat-fake-ed-team-mastermind-aap-connection](/wp-content/uploads/2024/12/gujarat-fake-ed-team-mastermind-aap-connection.webp)
અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. હાલ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. સલાયામાંથી 3 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. પાલિકાની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા પડતાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા ઉપપ્રમુખ જુનુસ ભગાડ તથા સલાયા શહેર પ્રમુખ હાજી સુંભણીયાએ રાજીનામું ધરી દેતાં પક્ષમાં સોંપો પડી ગયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ 8 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હતું અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીપંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને ભાજપ પર પ્રહારો કર્યા હતા.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ ભાજપમાં જાણે મહા મહિને જ દિવાળી જેવો માહોલ છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતિમદિવસે રાજ્યની કેટલીક મહાનગરપાલિકા, પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો છે. રાજ્યની 68 નગરપાલિકામાં 196 બેઠકો પર BJP બિનહરીફ વિજયી થઈ છે.
આ પણ વાંચો : પંજાબની AAP સરકારમાં ભંગાણ પડશે! કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16 ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરાશે.