અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોકળ સાબિત થઈ

અમદાવાદઃ અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ મળતાં પોલીસે રવિવાર મોડી રાત સુધી તપાસ કરી હતી પણ કાંઈ ના મળતાં રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ ઓથોરિટીને રવિવારે મળેલા ઈ-મેલમાં એરપોર્ટના બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેના પગલે પોલીસ અને સીઆઈએસએફ સહિતની સીક્યુરિટી એજન્સીઓએ સાથે મળીને રવિવારે આખો દિવસ અને સોમવારે પણ એરપોર્ટના દરેક ખૂણે ખૂણે ચેકિંગ કર્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી ઈન લાઇન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા રવિકાન્ત ભારદ્વાજની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શૈલેષ ભારદ્વાજે નોંધાવેલી ફરિયાદમાં અપાયેલી વિગતો પ્રમાણે, રવિવારે ભારદ્વાજ નોકરી પર હાજર હતા ત્યારે તેમના મોબાઈલ પર સિક્યોરિટી મેનેજર શૈલેષ કુરિલે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હોવાની જાણ કરી હતી. શૈલેષ કુરિલે ભારદ્વાજને ફોન પર માહિતી આપી હતી કે, એરપોર્ટના ઇ-મેલ આઇડી પર EVILTERRORIZER111@GMAIL.COM નામના ઈ-મેલ આઈડી પરથી એરપોર્ટના બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ આવ્યો છે.
ધમકીભર્યા ઇ-મેલની જાણ થતાં જ એરપોર્ટ ઓથોરિટી એલર્ટ થઈ ગઈ હતી અને તરત જ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે તરત જ ફરિયાદ નોંધીને બોમ્બ-સ્ક્વોડ, ડોગ-સ્ક્વોડને વાના કરી હતી. આ ઉપરાંત એરપોર્ટ પર તૈનાત બોમ્બ સ્ક્વોડ. ડોગ સ્ક્વોડને લઈને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના જવાનોએ ચેકિંગ હાથ ધર્યું હતું.
પોલીસ તથા જવાનો દ્વારા એરપોર્ટ પર તમામ ફ્લાઈટનું ચેકિંગ કરાયું હતું. એરપોર્ટના દરેક વિસ્તારનું ચેકિંગ સિક્યોરિટી પણ કરવામાં આવ્યું હતું. પેસેન્જરોનું પણ ચેકિંગ કરાયું હતું. પોલીસ અ એજન્સીઓ દ્વારા મોડી રાત સુધી એરપોર્ટમાં ચાલેલા સર્ચ-ઓપરેશનમાં કંઈ ના મળતાં આ પોકળ ધમકી સાબિત થઈ હતી. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
લોહિયાળ ખેલને રોકવા તમારી પાસે 24 કલાક છે……….
એરપોર્ટ ઓથોરિટીને મળેલા ઈ-મેલમાં ધમકી આપવામાં આવી હતી કે, એરપોર્ટ બિલ્ડિંગને ઉડાવી દેવાશે. EVILTERRORIZER111@GMAIL.COM એકાઉન્ટ પરથી મોકલાયેલા ઇ-મેલમાં લખવામાં આવ્યું હતું કે એરપોર્ટના બિલ્ડિંગમાં બોમ્બ છે અને આ લોહિયાળ ખેલને રોકવા માટે તમારી પાસે 24 કલાક છે. હું આતંકી ગ્રુપનો લીડર છું અને આ દુનિયામાં મને કોઈ પકડી શકતું નથી. હું શેતાનનું સંતાન છું. મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે, તમારી પાસે 24 કલાક છે. લોહિયાળ ખેલનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ.
આપણ વાંચો: રાષ્ટ્રીય રાજકારણમાં વધશે ગુજરાતનું વર્ચસ્વ! જે પી નડ્ડાનું સ્થાન લઈ શકે છે સી આર પાટીલ