અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ પ્રશાસન થઈ ગયું દોડતું

અમદાવાદ: પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ‘ઓપરેશન સિંદૂર’થી લીધો છે. આતંકી પ્રવૃતિઓને છાવરવાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ (threatening e-mail) મળતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના નામથી મળેલા એક ઈ-મેલમાં ધમકી આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મળતી વિગતો અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાકિસ્તાનના નામથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ને એક ઈ-મેલ મળ્યો છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યો ઈ-મેલ મળતાં જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘નદીમાં લોહી વહેવા’ની ધમકી આપનાર બિલાવલ ભુટ્ટોને ભાન થયું! ભારત સાથે શાંતિની વાત કરી
સ્ટેડિયમમાં સઘન ચેકિંગ હાથ
ઘટનાની જાણ અંગે અમદાવાદ પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ
આ અંગે સિનિયર IPS અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઈ-મેલ પાકિસ્તાન જેકે નામના ઈ-મેલ એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે, જેમાં એક જ લાઈનમાં “વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ” લખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સ્ટેડિયમમાં IPL ની મેચ યોજાવાની છે, અને આ ધમકીને ગંભીરતાથી લઈને હાલ તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ દરેક શક્ય એંગલથી તપાસ કરી રહી છે અને સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.