અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 1 જાન્યુઆરીથી શરૂ થશે આ સર્વિસ, જાણો વિગત

અમદાવાદઃ વિદેશ જવા પાસપોર્ટ મહત્વનો પુરાવો છે. ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પાસપોર્ટ માટે અરજી કરે છે. આ દરમિયાન અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં અરજીઓ સંબંધિત પૂછપરછ અને દસ્તાવેજો જમા કરાવવા માટેની નવી વ્યવસ્થા 1 જાન્યુઆરી,2026થી લાગુ થશે.
RPO મુજબ, પૂછપરછ કરવા અથવા દસ્તાવેજો સબમિટ કરવા માંગતા અરજદારો માટે તમામ કામકાજના દિવસોમાં 100 ઓનલાઇન એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અરજદારો પોતાની અનુકૂળતા મુજબની તારીખ અને સમયની એપોઇન્ટમેન્ટ અગાઉથી નક્કી કરીને ઓફિસની મુલાકાત લઈ શકે છે.
આ ઉપરાંત, પાસપોર્ટ અરજદારોને યુનિવર્સિટી રોડ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ ખાતે આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં પૂછપરછ અથવા દસ્તાવેજ સબમિટ કરવા માટે દર સોમવારે અને બુધવારે (જાહેર રજાઓ સિવાય) સવારે 10 થી બપોરે 1 વાગ્યાની વચ્ચે એપોઇન્ટમેન્ટ વગર મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે. પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા અરજદારોને પૂછપરછ અથવા દસ્તાવેજો સબમિટ કરવા માટે ઓફિસની મુલાકાત લે, ત્યારે તમામ જરૂરી ઓરીજનલ દસ્તાવેજો સાથે રાખવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ અમદાવાદના જણાવ્યા મુજબ, ડોક્યુમેંટ સબમિટ કરવાની પ્રક્રિયા દરમિયાન ચકાસણી માટે ડિજીલોકર દ્વારા જારી કરાયેલા પુરાવા અને અન્ય દસ્તાવેજો પાસપોર્ટ સેવા પોર્ટલ પર અપલોડ કરી શકાશે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ફોટો આઈડી ડોક્યુમેંટ ડિજીલોકર દ્વારા વેરિફિકેશન માટે અપલોડ કરી શકશે.
સૂત્રોએ જણાવ્યું કે, અરજદારો પોર્ટલ પર ડિજીલોકર દ્વારા જારી કરાયેલા ID અને અન્ય દસ્તાવેજો અપલોડ કરી શકે છે. તેમને પૂછવામાં આવે ત્યારે તેમના ડિજીલોકરની ઍક્સેસ આપવી પડશે. જે દસ્તાવેજોની સરળ ચકાસણી અને અરજીઓની સરળ પ્રક્રિયા સુનિશ્ચિત કરશે. અરજદારો તેમની અરજી સબમિટ કરતી વખતે અથવા તેમની નિયત એપોઇન્ટમેન્ટના દિવસે તેમના ડિજીલોકરની ઍક્સેસ આપી શકે છે.
આ પણ વાંચો…પાસપોર્ટ માટે હવે ડોક્યુમેંટ નહીં લઈ જવા પડે સાથે, આ રીતે થશે વેરિફિકેશન



