
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિ જીવતો બચી ગયો હતો. સીટ 11એ પર મુસાફરી કરી રહેલો રમેશ વિશ્વાસકુમાર ભાલીયા જીવતો બચ્યો હતો. તેણે કહ્યું, ટેકઓફની થોડી જ સેકંડોમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને વિમાન નીચે આવવા લાગ્યું હતું. જોતજોતામાં પ્લેન આગની જવાળામાં લપેટાઈને જમીન સાથે ટકરાયું હતું અને વિસ્ફોટ થયો હતો. બ્રિટનના નાગરિક અને દમણ દીવના મૂળ રહેવાસી રમેશ ભાલીયા આ દુર્ઘટનામાં સામાન્ય ઈજા પહોંચી હતી અને ખુદ ચાલીને બહાર આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેની સાથે મુલાકાત કરીને ખબર અંતર પૂછી હતી.
ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. રમેશ ભાલીયાએ કહ્યું, મારી આસપાસ મૃતદેહો હતા. મને ડર લાગ્યો. હું ઊભો થયો અને દોડવા લાગ્યો. ચારેય બાજુ લાશો હતી અને વિમાનમાંથી આગ નીકળતી હતી. વિશ્વાસ સાથે તેમના ભાઈ અજય પણ ફ્લાઇટમાં સવાર હતા. તેમનો કોઈ અતોપતો નથી.
લંડનમાં કરે છે કન્સ્ટ્રક્શનનું કામકાજ
રમેશ ભાલીયા છેલ્લા 20 વર્ષથી લંડનમાં રહે છે. તેના પરિવારમાં પત્ની અને એક બાળક છે. તેઓ પણ લંડનમાં રહે છે. તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનનું કામકાજ કરે છે. 6 મહિના પહેલા તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા અને ફરી એકવાર લંડન જવા રવાના થયા હતા ત્યારે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.