અમદાવાદમાં ટ્રાફિક જામની આ છે હકીકત, 2100થી વધુ કર્મીઓની ઘટ

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. જે પાછળનું મુખ્ય કારણ ટ્રાફિક પોલીસમાં કર્મચારીઓની ઘટ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસમાં 2100થી વધુ પોલીસ કર્મીઓની છે. મળતી વિગત પ્રમાણે, ટ્રાફિક વિભાગની કુલ મંજૂર થયેલી સંખ્યા 5958 કર્મચારીઓ છે, જેની સામે હાલમાં માત્ર 3794 પોલીસકર્મીઓ જ કામ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પોલીસ વિભાગમાં ચાર આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP), 638 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)/હેડ કોન્સ્ટેબલ (HC)અને 800થી વધુ કોન્સ્ટેબલોની ઘટ છે.
સૂત્રો મુજબ, અમુક સમયે પડોશના પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે, પરંતુ જ્યારે સ્ટાફની અછત સર્વવ્યાપી હોય, ત્યારે તે મુશ્કેલ બની જાય છે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નબળા ટ્રાફિક વ્યવસ્થાપન બદલ કોર્ટે પણ ટ્રાફિક વિભાગને ફટકાર લગાવી હતી. કોર્ટની ફટકાર બાદ એક-બે દિવસ માટે સુધરે છે, પરંતુ થોડા દિવસોમાં ફરી જેવી હતી તેવી થઈ જાય છે.
વિભાગમાં મંજૂર છ ACP સામે માત્ર બે ACP છે અને 20 ઇન્સ્પેક્ટરો સામે 17 ઇન્સ્પેક્ટરો છે. 1230 ASIની મંજૂર સંખ્યા સામે માત્ર 529 ASI છે. જરૂરી 2023 કોન્સ્ટેબલો અને લોક રક્ષક દળ સામે માત્ર 1154 કોન્સ્ટેબલ અને એલઆરડીથી જ કામ ચાલે છે.
સૂત્રોએ જણાવ્યું કે જરૂરી 120 PSI સામે માત્ર 23 PSI જ છે. જોકે, જ્યારે PSI રજા પર જાય છે અથવા તાલીમ માટે જાય છે ત્યારે પરિસ્થિતિ વધુ વણસે છે. જાણે આ પૂરતું ન હોય તેમ, ઘણા ટ્રાફિક PSIને કેદીઓની સુરક્ષા જેવી અન્ય ફરજો પણ સોંપવામાં આવે છે, જેનાથી ટ્રાફિક સંચાલન બરાબર રીતે થઈ શકતું નથી.



