
અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપની ડે-નાઈટ મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ક્રિકેટના રસિયાઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી મેચોના દિવસોમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. આ ખાસ સુવિધા 9, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરી તેમજ જો ફાઈનલ મેચ અમદાવાદમાં રમાય તો 8 માર્ચના રોજ ઉપલબ્ધ રહેશે. સામાન્ય દિવસોમાં મેટ્રો સેવાઓ રાત્રે 10:00 વાગ્યે પૂર્ણ થઈ જતી હોય છે, પરંતુ મેચના દિવસે મોડી રાત સુધી ટ્રેનો દોડવાથી પ્રેક્ષકોને અવરજવરમાં મોટી રાહત મળશે.

મેચ બાદ મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે GMRC દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમથી એપીએમસી (APMC) સુધીની ટ્રેનો રાત્રે 10:00 થી 12:30 સુધી ચાલશે, જ્યારે વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ માટે ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી રાત્રે 12:50 સુધી કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત, ગાંધીનગરના મુસાફરો માટે પણ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે 11:40 અને 12:10 વાગ્યે બે ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે. જોકે, રાત્રે 10:00 વાગ્યા પછી એન્ટ્રી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ મળી શકશે.
મુસાફરીને વધુ સરળ બનાવવા માટે રૂ. 50ની ફ્લેટ કિંમતે ‘સ્પેશિયલ પેપર ટિકિટ’ લોન્ચ કરવામાં આવી છે. રાત્રે 10:00 વાગ્યા પછી ટોકન અથવા ક્યૂઆર કોડ જેવી સામાન્ય ટિકિટો માન્ય રહેશે નહીં અને માત્ર આ પેપર ટિકિટ દ્વારા જ મુસાફરી કરી શકાશે. સ્ટેડિયમ પર પરત ફરતી વખતે લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે તે માટે મુસાફરો કાલુપુર, થલતેજ, રાણીપ અને મહાત્મા મંદિર સહિતના નિર્ધારિત સ્ટેશનો પરથી દિવસ દરમિયાન અગાઉથી જ આ સ્પેશિયલ ટિકિટ ખરીદી શકશે.
આપણ વાંચો: ક્રિકેટ ફેન્સને ભારત-પાકિસ્તાન મેચ જોવા મળી શકે છે! આવી શકે છે મોટો વળાંક



