કમનસીબીઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર વિશ્વાસ કુમાર ત્રણ મહિના પછી પણ કેમ બ્રિટન પાછા ફર્યા નથી?

અમદાવાદ: શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉપડેલા એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું. 12 જૂનનો એ દિવસ ભારત અને ખાસ કરીને ભારતવાસીઓ ભૂલી શકશે નહિ. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. જો કે ‘રામ રાખે એને કોણ ચાખે’ કહેવતને સાર્થક કરતો કિસ્સો આ દુર્ઘટનામાં સર્જાયો હતો અને એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જો કે આ દુર્ઘટનાને ત્રણ મહિનાનો સમય વીતી જવા છતા એકમાત્ર બચી ગયેલ વ્યક્તિ પોતાના ઘર બ્રિટન પરત ફરી શક્યો નથી પણ કેમ?
અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશમાં 40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ એકમાત્ર એવા વ્યક્તિ હતા, જેઓ જીવતા બચ્યા. આ દુર્ઘટના બાદ તેમની પત્ની હીરલ અને ચાર વર્ષનો પુત્ર તેમને મળવા માટે બ્રિટનથી ભારત આવ્યા હતા, પણ થોડા સમય બાદ તેઓ પાછા ફર્યા. જોકે, વિશ્વાસ કુમાર આ ભયાનક આઘાતમાંથી હજુ પણ બહાર આવી શક્યા નથી અને તેઓ હજી પણ ભારતમાં જ રોકાયા છે.
આઘાતથી ઉગરી શક્યા નથી
વ્યાપારી વિશ્વાસ કુમાર હાલ ગુજરાતમાં પોતાના એક સંબંધીને ત્યાં રોકાયા છે. દુર્ઘટનાના આઘાતમાંથી બહાર આવવા માટે તેમની કાઉન્સેલિંગ ચાલી રહી છે. તેમના બનેવીએ જણાવ્યું કે વિશ્વાસ કુમાર એટલા ઊંડા આઘાતમાં છે કે તેમને આશા નથી કે તેઓ ટૂંક સમયમાં લંડન સ્થિત તેમના ઘરે પાછા ફરી શકે. વિશ્વાસ કુમારના મનમાં પ્લેનનો એટલો ઊંડો ડર બેસી ગયો છે કે તેઓ તેમાં બેસવા માંગતા નથી. આ ડર તેમને બ્રિટન પાછા ફરતા રોકી રહ્યો છે. તેમનો પરિવાર તેમને પાછા બોલાવવા માંગે છે, પરંતુ વિશ્વાસ પ્લેનમાં જવાનો ઈનકાર કરી રહ્યા છે.
આખરે શું બન્યું હતું તે દિવસે?
અમદાવાદથી ગેટવિક જઈ રહેલા બોઈંગ 787 વિમાનનું એન્જિન અમદાવાદથી ટેકઓફ કર્યાના ગણતરીના સેકન્ડ બાદ ક્રેશ થઈ ગયું હતું અને મેઘાણીનગરમાં મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 260 241 લોકો માર્યા ગયા, જેમાં 52 બ્રિટિશ નાગરિકો પણ સામેલ હતા. આ ઉપરાંત, પ્લેન જ્યાં પડ્યું તેની ઝપટમાં આવેલા 19 લોકો પણ મૃત્યુ પામ્યા હતા.
પ્લેન ક્રેશ થતાં વિશ્વાસ કુમાર રમેશ સીટ નંબર 11A પર બેઠા હતા. દુર્ઘટના બાદ તેઓ રસ્તામાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના ચહેરા પરના કટ અને છાતીની ઈજાની સારવાર કરવામાં આવી હતી. આ ભયાનક દુર્ઘટનામાં તેમના નાના ભાઈ અજય (35) સહિત તમામ લોકોના મૃત્યુ થયા હતા. વિશ્વાસ કુમાર આજે પણ આ દુર્ઘટનાની માનસિક અસરથી પીડાઈ રહ્યા છે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ માટે યુએસના વકીલ માઈક એન્ડ્રુઝે સ્થળ મુલાકાત લીધી