સાણંદમાં આખા પરિવારનો હત્યારો પેરોલ જમ્પ કરીને થયેલો ફરાર, કેટલાં વર્ષે ઝડપાયો ?

અમદાવાદઃ ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ પર છૂટી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાણંદમાં આખા પરિવારની હત્યા કરીને પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો આરોપી 11 વર્ષ બાદ પકડાયો હતો. 50 વર્ષીય હમીરસિંહ ઝાલાને 11 વર્ષની શોધખોળ પછી નાગપુરની એક ઝૂંપડપટ્ટીમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ ધરપકડ સાથે 2002માં ગુજરાતને હચમચાવી દેનારા સામૂહિક હત્યા કેસના બીજા અધ્યાયનો અંત આવ્યો હતો.
શું છે મામલો ?
2002માં ઝાલા 27 વર્ષનો હતો ત્યારે તેણે સાવકી માતા સહિત પરિવારજનો પર હુમલો કર્યો હતો. તેણે પહેલા લાકડાના ધોકા વડે સૂઈ રહેલા તેના પિતા બહાદુરસિંહ પર હુમલો કર્યો અને તેમની હત્યા કરી, અને પછી તેના સાવકા માતાની હત્યા કરી હતી. તે પછી, તે તેના નાના ભાઈ અને બહેન, જેઓ બીજા રૂમમાં સૂતા હતા ત્યાં જઈ તેમનું પણ ઢીમ ઢાળી દીધું હતું. પરોઢ થતાં સુધીમાં આખો પરિવાર મૃત હાલતમાં પડ્યો હતો. સૌથી મોટો દીકરો ગાયબ થઈ ગયો હતો. પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી. કોર્ટે આ મુદ્દે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
11 વર્ષ પહેલા પેરોલ મળી હતી
પેરોલ જમ્પ કરીને ભાગેલા ઝાલાને ઝડપવા પોલીસે તમામ ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ કોઈ ભાળ મળતી નહોતી. અમદાવાદ રેન્જના DIG (ઇન્ચાર્જ) વિધિ ચૌધરીએ લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું અને પરિસ્થિતિ બદલાઈ હતી. ઇન્સ્પેક્ટર આર.એન. કરમટિયા અને તેમની ટીમે ઝાલાના પગેરું ફરીથી શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં તે જ્યાં રહેતો તેના પડોશીઓ, તેના જૂના મિત્રોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. જે બાદ તેના નામે ખરીદવામાં આવેલા સિમ કાર્ડની તપાસ કરી હતી.
આ દરમિયાન એક મહત્ત્વપૂર્ણ સફળતા મળી હતી. એક દાયકા પહેલાં હમીરસિંહ જ્યારે જેલમાંથી બહાર આવ્યો, ત્યારે તેણે એક સિમ કાર્ડ ખરીદ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ ટીમે ઘણા દિવસો સુધી તેને ટ્રેસ કર્યું અને આખરે નાગપુરની મહાજનવાડીથી ઝડપી પાડ્યો હતો.
આપણ વાંચો: કોમનવેલ્થ બાદ ઓલિમ્પિક પણ યોજાઈ શકે છે ગુજરાતમાં, સ્વિત્ઝર્લેન્ડમાં રાજ્ય સરકાર ખોલશે ઓફિસ



