
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારએ માઝા મુકી હોય તેમ એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા સપ્તાહમાં ત્રણથી ચાર લાંચિયા લોકોને પકડે છે. એસીબી દ્વારા છેલ્લા ત્રણ વર્ષના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભ્રષ્ટાચારના કેસોમાં રાજ્યનો ગૃહ વિભાગ મોખરે છે ત્યાર બાદ મહેસૂલ, શહેરી વિકાસ અને પંચાયત વિભાગોનો નંબર આવે છે
જૂન 2022થી મે 2025 સુધીના સમયગાળામાં એસીબીએ લાંચ લેવા બદલ સરકારી કર્મચારીઓ સામે કુલ 653 કેસ નોંધ્યા હતા. આમાંથી 45 ટકા કેસ ગૃહ વિભાગના કર્મચારીઓ સામેના છે, જેમાં ટ્રાફિક પોલીસથી લઈને ઓફિસસ્ટાફ સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
મહેસૂલ વિભાગ બીજા ક્રમે આવે છે, જેમાં મોટા ભાગના કેસ જમીનના સોદા અને એનઓસી માટે માંગવામાં આવેલી લાંચ સાથે સંબંધિત છે. પંચાયત વિભાગના કર્મચારીઓ વિવિધ સરકારી યોજનાઓ માટે ફંડની માંગણી કરતા પકડાયા હતા. આ ઉપરાંત, નોંધપાત્ર સંખ્યામાં ફરિયાદો ધરાવતા અન્ય વિભાગોમાં શિક્ષણ, આરોગ્ય અને નાણાં વિભાગનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે અધિકારીઓને ચાર્જશીટ અને સસ્પેન્શન જેવી શિસ્તભંગની કાર્યવાહી કરવા જણાવ્યું છે, ત્યારે અગાઉની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશની ગતિ ધીમી પડી ગઈ હોવાના અહેવાલ છે. થોડા સમય પહેલા રાજ્ય સરકારે ‘ઓપરેશન ગંગાજળ’ શરૂ કર્યું હતું, જેમાં અનિયમિતતાની ફરિયાદો નોંધાયેલ હોય તેવા અધિકારીઓને સસ્પેન્ડ અથવા ડિમોટ કરવામાં આવ્યા હતા. જો કે, સૂત્રોનું કહેવું છે કે તાજેતરમાં, આવા કેસો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.
જૂન 22થી મે 23 દરમિયાન કુલ 181 કેસ નોંધાયા હતા. જેમાં ક્લાસ-1ના 10, ક્લાસ-2ના 24, ક્લાસ-3ના 166, ક્લાસ-4ના 2, ગૃહ વિભાગના 88, પંચાયત વિભાગના 23, રેવન્યૂ વિભાના 13, અર્બન ડેવલપમેન્ટના 8 અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે જૂન 23 થી મે 24 દરમિયાન કુલ 202 કેસ નોંધાયા હતા. ક્લાસ-1ના 9, ક્લાસ-2ના 30, ક્લાસ-3ના 179, ક્લાસ-4ના 8 અધિકારી ઝડપાયા હતા.
ગૃહ વિભાગના 103, પંચાયતના 15, રેવન્યૂના 25 અને અર્બન ડેવલપમેન્ટના 13 અધિકારી ઝડપાયા હતા. જૂન 24થી મે 25 દરમિયાન 200 કેસ નોંધાયા હતા. ક્લાસ-1ના 13, ક્લાસ-2ના 37, ક્લાસ-3ના 172 અને ક્લાસ-4ના 3 અધિકારીઓ ઝડપાયા હતા. જેમાં ગૃહ વિભાગના 88, પંચાયતના 20, રેવન્યૂના 27 અને અર્બન ડેવલપમેન્ટના 11 અધિકારીઓ હતા.
આ પણ વાંચો…ફડણવીસ લાચાર મુખ્ય પ્રધાન, ભ્રષ્ટાચારને કાબુમાં નથી લઈ શકતા: ઉદ્ધવ ઠાકરે