ડેટા એન્ટ્રી નહીં, આ તો છે ‘સાયબર ગુલામી’! મ્યાનમારના જંગલોમાં ગુજરાતી યુવાનો પાસે ફ્રોડ કરાવવાતા કૌભાંડનો સૂત્રધારની ઝડપાયો

અમદાવાદ: થાઈલેન્ડ, બેંગકોક અને મ્યાનમારની કંપનીઓમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી અને મહિને ૧ થી ૨ હજાર ડોલર પગારની લાલચ આપી ગુજરાતના યુવાનોને ગોંધી રાખીને સાયબર ફ્રોડના ગુના કરાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ સામે આવ્યું છે. ચીનની ગેંગ માટે ગુજરાતના યુવાનોને ફસાવવાનું નેટવર્ક ચલાવતા પોરબંદરના મુખ્ય સૂત્રધાર હિતેશ અરજણ સોમૈયાની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકીના સકંજામાંથી માંડ માંડ બચીને આવેલા ૧૫ યુવાનોએ આપેલી ચોંકાવનારી માહિતીના આધારે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે હિતેશને ઝડપી પાડ્યો છે.
ડેટા એન્ટ્રીના બહાને મ્યાનમાર લઈ જઈ કોલ સેન્ટરમાં જબરદસ્તી કામ
પોલીસના ખુલાસા મુજબ, છેલ્લા એક વર્ષમાં ગુજરાતના આશરે ૪૦ યુવાનોને નોકરીની લાલચ આપી બેંગકોક અને થાઈલેન્ડ લઈ જવાયા હતા. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમનો પાસપોર્ટ છીનવી લેવામાં આવતો હતો અને તેમને ગાડીમાં, જંગલના રસ્તે તેમજ મોઈ નદીમાં બોટ મારફતે મ્યાનમાર બોર્ડર પરની કે. કે. પાર્ક, મ્યાવાડી ટાઉનશિપમાં આવેલા વિશાળ કોમ્પ્લેક્સમાં લઈ જવાતા હતા.
ત્યાં યુવાનોને ગોંધી રાખીને તેમની પાસે જબરદસ્તી ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અને ડેટિંગ એપ મારફતે છેતરપિંડી જેવા સાયબર ફ્રોડના ગુના કરાવવામાં આવતા હતા. હિતેશ સોમૈયા ચીની ગેંગ માટે એક યુવકને મ્યાનમાર મોકલવા બદલ રૂ. ૨ થી ૨.૫૦ લાખ કમિશન મેળવતો હતો.
૨૫ યુવાનો હજુ પણ ફસાયેલા, ૪૦ હજાર ભારતીય લાપતા
બચીને આવેલા યુવાનોએ પોલીસને જણાવ્યું કે, હિતેશ મારફતે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી ૪૦ યુવાનો મ્યાનમાર ગયા હતા, જેમાંથી માત્ર ૧૫ ગુજરાતી અને અન્ય રાજ્યના ૪ મળીને કુલ ૧૯ યુવાન જ પાછા આવી શક્યા છે. જ્યારે અન્ય ૨૫ ગુજરાતી યુવાનો હજુ પણ વિદેશમાં ગોંધાયેલા છે. તેમની સુરક્ષિત વાપસી માટે પોલીસે કેન્દ્ર સરકારને જાણ કરીને તજવીજ શરૂ કરી છે.
ઇમિગ્રેશન બ્યુરોના આંકડાઓ અનુસાર, જાન્યુઆરી ૨૦૨૨ થી મે ૨૦૨૪ દરમિયાન દેશમાંથી ૭૩,૧૩૮ લોકો કંબોડિયા, થાઈલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામ ગયા હતા, જેમાંથી ૨૯,૪૬૬ લોકો હજી સુધી પાછા નથી આવ્યા. તેમાં સૌથી વધુ બેથી ત્રણ હજાર ગુજરાતીઓ હોવાની આશંકા છે, જેઓ સાયબર ફ્રોડના નેટવર્કમાં ફસાયા છે.
આ પણ વાંચો…દિલ્હી પોલીસે સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, વેબ સિરીઝની જેમ ઉપનામોનો કરતા હતા ઉપયોગ



