
અમદાવાદઃ રાજ્યમાં હાર્ટ એટેકથી છેલ્લા પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 205 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા હોવાનો તાજેતરમાં અહેવાલ આવ્યો હતો. રાજ્યમાં હૃદય સંબંધિત બીમારીના વધેલા પ્રમાણના કારણે કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (CVD) સંબંધિત દવાઓના વેચાણમાં નવેમ્બર સુધીમાં વાર્ષિક ધોરણે 11%નો વધારો નોંધાયો હતો. હૃદયરોગની સારવાર પદ્ધતિમાં આવેલો ફેરફાર પણ આ વૃદ્ધિમાં મોટો ફાળો આપી રહ્યો છે. રાજ્યમાં બીપીનું દવાનું સૌથી વધુ વેચાણ થયું હતું. જે બાદ બીજા ક્રમે કોલેસ્ટ્રોલની દવાનું વેચાણ રહ્યું હતું.
બીપીની દવાનું સૌથી વધુ વેચાણ
રિપોર્ટ પ્રમાણે, કાર્ડિયાક થેરાપી દવાઓનું મૂલ્ય નવેમ્બરમાં વધીને ₹1,731 કરોડ થયું હતું, જે ગયા વર્ષે સમાન મહિનામાં ₹1,557 કરોડ હતું. નિષ્ણાતોના મતે, આ વૃદ્ધિ માત્ર તાત્કાલિક સારવારને કારણે નથી, પરંતુ લાંબા ગાળાના જોખમ નિયંત્રણ પર કેન્દ્રિત હોવાને કારણે છે.
કાર્ડિયાક થેરાપીમાં, એન્ટિ-હાયપરટેન્સિવ (બીપીની દવાઓ) અને લિપિડ-લોઅરિંગ (કોલેસ્ટ્રોલની દવાઓ) હવે કુલ વેચાણના 70% થી વધુ હિસ્સો ધરાવે છે. એન્ટિ-હાયપરટેન્સિવ દવાઓ ₹830 કરોડથી વધુ સાથે સૌથી મોટો હિસ્સો ધરાવે છે, ત્યારબાદ લિપિડ-લોઅરિંગ દવાઓ ₹420 કરોડ સાથે બીજા ક્રમે છે.
સિંગલ-ડ્રગ થેરાપીને બદલે કોમ્બિનેશન ટ્રીટમેન્ટ
રિપોર્ટમાં બ્લડ પ્રેશરના ડેટામાં મોટો બદલાવ જોવા મળ્યો હતો. 2021 થી 2025 દરમિયાન, ડોકટરો સિંગલ-ડ્રગ થેરાપીને બદલે ‘કોમ્બિનેશન ટ્રીટમેન્ટ’ તરફ વળ્યા છે. ટેલમિસારટન (Telmisartan) આધારિત કોમ્બિનેશન અત્યારે બજારમાં પ્રભુત્વ ધરાવે છે. હવે ડોકટરો રોગના શરૂઆતના તબક્કામાં જ ડ્યુઅલ-ડ્રગ અથવા ટ્રિપલ-ડ્રગ કોમ્બિનેશન આપવાનું શરૂ કરી દે છે, જે અગાઉ માત્ર જટિલ કેસોમાં જ આપવામાં આવતું હતું.
કોમ્બિનેશન ટ્રીટમેન્ટથી શું થાય
સૂત્રોએ જણાવ્યું હતું કે, દવાના પ્રિસ્ક્રિપ્શનમાં ફેરફારનું મુખ્ય કારણ ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશનની ઉપલબ્ધતા છે. હૃદયરોગના અનેક કારણો હોવાથી, હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેકને રોકવા માટે દર્દીઓને એકસાથે અનેક દવાઓના વર્ગની જરૂર પડે છે. રોગ વધવાની રાહ જોવાને બદલે શરૂઆતથી જ આ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં કિડની કે હૃદયની ગંભીર સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ડોક્ટરે પહેલાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખવા માંગે છે. કોમ્બિનેશન થેરાપીથી દર્દીને ઓછી ગોળીઓ ગળવી પડે છે અને તેનાથી સારવારની અસરકારકતા વધે છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, સ્ટેટિન્સની સાથે એસ્પિરિન કે અન્ય દવાઓના મિશ્રણનું ચલણ વધ્યું છે, જેનો હેતુ LDL-કોલેસ્ટ્રોલના લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે. હૃદયની સમસ્યાઓ અવારનવાર ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી અન્ય સ્થિતિઓ સાથે જોવા મળે છે. ભલે સારવાર એક દવાથી શરૂ થાય, પણ ચોક્કસ લક્ષ્યાંક મેળવવા માટે ઘણીવાર મલ્ટિ-ડ્રગ થેરાપી જરૂરી બને છે.
ગુજરાતમાં હાર્ટ એટેકથી સૌથી વધુ મોત
ગુજરાતમાં જે કારણથી સૌથી વધુ મૃત્યુ થાય છે તેમાં હાર્ટ એટેક મોખરે છે. રાજ્યમાં કઈ બીમારીથી સૌથી વધુ મૃત્યુ થયા તે અંગેના અહેવાલમાં આ વાત સામે આવી હતી. જે મુજબ, રાજ્યમાં 2019માં 8689 લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા, 2023માં આંકડો વધીને 74,777 પર પહોંચ્યો હતો. રાજ્યમાં પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના હાર્ટ એટેક – હૃદય સંબંધિત બીમારીથી મૃત્યુ થયા હતા.
વર્ષ 2019 – 8689
વર્ષ 2020 – 50,454
વર્ષ 2021 – 93,797
વર્ષ 2022 – 70,182
વર્ષ 2023- 74,777
કુલ – 2,97,899
આ પણ વાંચો…ગુજરાતીઓના હૃદય પડી રહ્યા છે નબળા, દરરોજ હાર્ટ એટેક લે છે આટલા લોકોનો ભોગ



