અમદાવાદમાં ફરી ઉડ્યા કાયદાના લીરે લીરા, જુહાપુરામાં યુવકને છરીના ત્રણ ઘા માર્યા | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં ફરી ઉડ્યા કાયદાના લીરે લીરા, જુહાપુરામાં યુવકને છરીના ત્રણ ઘા માર્યા

અમદાવાદઃ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, શહેરમાં સરેઆમ હિંસાના બનાવો વધી રહ્યા છે. અસામાજીક તત્વો સામે પોલીસ તંત્ર વામણું સાબિત થયું હોવાથી કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. આ દરમિયાન શહેરના જુહાપુરા વિસ્તારમાં ફરી એક આતંકની ઘટના બની હતી.

31 ઓગસ્ટના રોજ જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા ઉપર જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી-પથ્થરોથી મારામારી કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનામાં બે લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે વેજલપુર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

આપણ વાંચો: અમદાવાદ પોલીસમાં બદલીઓનો દોર યથાવત; વધુ 38 પોલીસકર્મીની આંતરિક બદલી…

શું છે મામલો

મળતી વિગત મુજબ, શહેરના જુહાપુરા વિસ્તારમાં તવક્કલ પાર્કમાં અમાન શેખ તેની પત્ની સાથે રહે છે. મીઠાખળી ખાતે આવેલા ગેરેજમાં કાર વોશિંગનું કામ કરે છે. રવિવારે સાંજના સમયે તેના બે મિત્ર સાથે બર્ગમેન વાહન પર જુહાપુરા જઈ રહ્યા હતા, ત્યારે સોનલ ચાર રસ્તા ઉપર પહોંચતા એક કાળા કલરના એક્ટિવા ઉપર ત્રણ જેટલા શખસો આવ્યા હતાં.

અહીં આ શખસોએ અમાનને કહ્યું કે, તારી ગાડી સીઝ કરવાની છે અને બોલાચાલી કરી હતી. હું તને ઓળખતો નથી તેવું અમાને કહેતા તેને માર મારવાની શરૂઆત કરી હતી. પછી છરી કાઢી અને મારામારી કરવાની શરૂઆત થઈ હતી. જાહેર રોડ ઉપર મારામારીના દૃશ્યો જોવા મળ્યા હતા.

અમાનને છોડાવવા જતા તેના મિત્રો ઉપર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૌથી વ્યસ્ત ગળાતા ટ્રાફિકવાળા રોડ ઉપર જાહેરમાં વાહનો ઉભા રાખીને મારામારીના દૃશ્યો જોવા મળ્યા હતા.

આપણ વાંચો: અમદાવાદના શાહીબાગમાં નશામાં ધૂત યુવકની ટીઆરબીના જવાન સાથે મારામારી, જુઓ વીડિયો

બાઈક ઉપર પણ અન્ય એક યુવક આવી ગાળાગાળી કરી બોલવા લાગ્યો હતો. આ મામલે લોકોના ટોળા ભેગા થતા હુમલો કરનાર ત્રણ શખસ નંબરપ્લેટ વગરની મોપેડ અને સ્પ્લેન્ડર પર આવનાર યુવક ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત અમાન અને તેના મિત્રને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વેજલપુર પોલીસે હવે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આઠ જેટલા લોકોએ એક યુવકની ધારદાર હથિયાર વડે હત્યા કરી હતી. જે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી તેની ઓળખ નીતિન પટણી તરીકે થઈ હતી.

જુની અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હતી. પહેલા યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં તિક્ષ્ણ હથિયારો વડે કરપીણ હત્યા કરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button